સશસ્ત્રજ સેના ધ્વજ દિનની ઉજવણી નિમિત્તે રાજયપાલ ઓ. પી. કોહલીએ આજે રાજભવન ખાતેસશસ્ત્રજ સેના ધ્વજ દિન નીધિમાં ફાળો આપી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સશસ્ત્રજ સેનાઓ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે. યુધ્ધના સમયમાં રાષ્ટ્ર સમક્ષની આપદ્દા કે સંકટમાં તેઓ સદાય રાષ્ટ્રીય સેવામાં સમર્પિત ભાવનાથી તત્પર રહે છે. આપણા રાષ્ટ્રની વિશાળ સીમાઓ સુરક્ષિત રાખતી સશસ્ત્રજ સેનાઓ રાષ્ટ્રપ્રેમ, નિસ્વાર્થ સેવા અને રણભૂમિમાં સર્વશ્રેષ્ઠ કાર્યદક્ષતાની પ્રતિતી કરાવી છે. ધ્વજ દિન સશસ્ત્રજ સેના પ્રત્યે આદર સન્માન અને ગૌરવની લાગણી દર્શાવવાનો અવસર પુરો પાડે છે.
ભારતીય સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે સુરક્ષા દળોના જવાનોની સમર્પિત ભાવનાનો ઋણ સ્વીકાર કરી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વતી સૈનિક કલ્યાણ નિધિમાં આજે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે મુખ્યમંત્રીનો વ્યકિતગત ફાળો અર્પણ કર્યો હતો.
વિજયભાઇ રૂપાણી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત હોઇ તેમનો શુભેચ્છા પત્ર પણ મુખ્યમંત્રીના સચિવે સૈનિક કલ્યાણ બોર્ડના અધિકારીઓને આપ્યો હતો. મુખ્યમંત્રીએ સૌ નાગરિક ભાઇ બહેનોને ઉદાર હાથે ફાળો આપી માતૃભૂમિની રક્ષા કરતા વીરગતિને વરેલા સેનાના જવાનો અને તેમના પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા પણ આ શુભેચ્છા પત્રમાં અપીલ કરી છે. ગુજરાત સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક બી. વી. રાણા સાથે એન.સી.સી. કેડેટસે આ ફાળો સ્વીકાર કર્યો હતો.