રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં તા.૧૮થી વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે ત્યારે તેમાં દેશના વડાપ્રધાન સહિત દેશ વિદેશના મહાનુભાવો પણ ગાંધીનગરમાં પધારવાના છે.
ત્યારે ગાંધીનગર શહેરમાં આ વાઈબ્રન્ટ સમિટ સુધી ઢોર પકડ ઝુબેશ સઘન બનાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે કેમ કે આ વીવીઆઈપીઓના કાફલાની અવરજવર વખતે કોઈ ઢોર રસ્તામાં ના આવી જાય તેની ખાસ તકેદારી રાખવા માટે પોલીસે કોર્પોરેશનને લેખિતમાં જાણ કરી દીધી છે.
ગાંધીનગર શહેરમાં તા.૧૮ થી વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે. આ સમીટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત દેશ વિદેશના મહાનુભાવો પણ ગાંધીનગર પધારવાના છે આ વીવીઆઈપી નેતાઓની સુરક્ષા માટે પોલીસ દ્વારા અત્યારથી બંદોબસ્તની સ્કીમો તૈયાર કરી દેવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે કામગીરી ઝડપી બનાવી દેવામાં આવી છે.
તેની સાથે શહેરમાં તમામ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવી રહયું છે અને સર્કલોને પણ નવા રંગરુપ આપવામાં આવી રહયા છે. તો પાટનગર ગાંધીનગર શહેરને રખડતાં ઢોરોની સમસ્યા રહેલી છે.
ત્યારે આ વાઈબ્રન્ટ સમિટને પગલે રખડતાં ઢોરો ગાંધીનગરના માર્ગો ઉપર ના આવી જાય અને વીવીઆઈપીઓના કાફલાને અડચણ પેદા ના કર તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા અત્યાર થી જ કોર્પોરેશનને લેખિતમાં જાણ કરી દેવામાં આવી છે અને શહેરમાં ઢોરપકડ ઝુંબેશને સઘન બનાવી દેવા દરખાસ્ત કરવામાં આવી છે.
જેના પગલે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા મંદિર આસપાસ તેમજ વીવીઆઈપી માર્ગો ઉપર ઢોર પકડવા માટે ખાસ ટીમો મુકવામાં આવી છે અને વાઈબ્રન્ટ સુધી તેને કામે લગાડવામાં આવશે.