આજથી આઠ દિવસ સુધી આકાશમાં ઉલ્કા વર્ષાનો નજારો

772
guj8122017-1.jpg

દુનિયાભરના લોકોએ ઓકટોબર-નવેમ્બરમાં આકાશમાં ઉલ્કાવર્ષાનો અદ્દભૂત આનંદ મેળવ્યો છે ત્યારે વર્ષ ર૦૧૭ નો આખરી ઉલ્કાવર્ષાનો અવકાશી નજારો ડિસેમ્બર તા. ૮ મી થી તા. ૧૭ સુધી સ્વચ્છ આકાશમાં નરી આંખે જોઈ શકાશે. રાજયમાં જેમીનીડસ ઉલ્કાવર્ષાનો આનંદ  મેળવવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે. ‘જાથા’ ના રાજય ચેરમેન જયંત પંડયા જણાવે છે કે દુનિયાભરમાં દર વર્ષે ડિસેમ્બર માસમાં તા. ૮ મી થી ૧૭ સુધી જેમીનીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ અદ્દભૂત જોવા મળે છે. દેશ-વિદેશમાં કલાકમાં ૧૦ થી પ૦ અને વધુમાં વધુ ૧૦૦ (એકસો) ઉલ્કાવર્ષા દિવાળીની આતશબાજીના દ્રશ્યો જેવી અવકાશમાં જોવા મળે છે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે. 
જેમીનીડસ ઉલ્કાવર્ષાનો વરસાદની મહત્તમ તા. ૧૩-૧૪-૧પ ત્રણ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. નરી આંખે સ્વચ્છ આકાશમાં સ્પષ્ટ નજારો જોઈ શકાય છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જોવા મળે છે. ઉતર, પૂર્વ દિશા જોવામાં શ્રેષ્ઠ છે. ચારેય દિશામાં ગમે ત્યારે દિવસે-રાત્રે ઉલ્કાવર્ષા થાય છે. તા. ૧૩, ૧૪ અને ૧પ મી બુધવાર થી શુક્રવાર સુધી ઉલ્કા જોવાનું ચુકશો નહિ. ખગોળપ્રેમીઓ દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નિર્જન જગ્યાને પસંદ કરી પડાવ નાખશે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો આકાશમાં જોવા મળશે.
જેમીનીડસ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસર વરસાદની જેમ પડશે. શરૂઆતમાં રાત્રે દર કલાકે પ થી ૧૦ કરતા વધીને પ૦ થી ૧૦૦ ઉલ્કા ખરતી જોવા મળશે. તેની ઝડપ પ્રતિ સેકન્ડ ૩પ કિ.મી. ઝડપે વધીને ૧૩૦ કિ.મી. ઝડપે પડશે. મધ્યરાત્રિ પહેલા અને વહેલી પરોઢે સ્પષ્ટ જોઈ શકાશે. જેમિનિડસ ખૂબ ચળકાટ ધરાવવાની સાથે ઝડપથી ફાયરબોલમાં ફેરવાઈ જાય છે. ઉલ્કાવર્ષા પીળા, લીલા અને વાદળી એમ વિવિધ કલરોમાં જોઈ શકાય છે. જેમિનિડસ ખરતા તારાનું નિર્માણ ૩,ર૦૦ ફાયેથોન તરીકે ઓળખાતા નાના ગ્રહોના ટુકડામાંથી થયું હોય છે. સદીઓ વીતતાં આ નાના ગ્રહો ઉપગ્રહોમાં ફેરવાઈ જાય છે. આ નજારો જોવા મળે તો જીંદગીનો રોમાંચક અનુભવ ગણાશે. ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે. દૂરબીન, ફાયરબોલ ફોટોગ્રાફી, ડીઝીટલ વિડીયોગ્રાફીથી થઈ શકે છે.

Previous articleચૂંટણીપંચની મંજૂરી વગર છેલ્લા બે દિવસોમાં રાજકીય પક્ષો અખબારોમાં જાહેરાત આપી શકશે નહીં
Next articleજાફરાબાદના બંદરચોકમાં કોંગ્રેસની જાહેરસભામાં હજારો લોકો ઉમટ્યા