સિક્કિમમાં સેનાએ દિલધડક ઓપરેશન પાર પાડીને બરફમાં ફસાઇ ગયેલા ૧૫૦થી વધારે વિદેશી પ્રવાસીઓને બચાવી લીધા છે. આ પ્રવાસી ભારે હિમવર્ષા બાદ રસ્તો બંધ થઇ જવાના કારણે ફસાઇ ગયા હતા. હવે તેમને બચાવી લેવામાં આવ્યા છે. થોડાક દિવસ પહેલા જ સેનાએ આવા જ એક મોટા ઓપરેશનને પણ અંજામ આપ્યુ હતુ. આ ઓપરેશનના ભાગરૂપે સેનાના જવાનોએ ગંગટોક અને નાથુલાના રસ્તા પર ફસાયેલા ત્રણ હજાર લોકોને બચાવી લીધા હતા. આ ગાળા દરમિયાન પ્રવાસીઓને રાહત આપવા માટે જવાનોએ તેમના બેરક ખાલી કરી આપ્યા હતા. હવે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. જાન જોખમમાં મુકીને સેનાના જવાનોએ આ ઓપરેશન પાર પાડ્યા હતા. વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ છે કે બુધવારે ત્રિશક્તિ કોર્પ્સના જવાનોએ પ્રવાસીઓના વાહનો શુન્યથી નીચે તાપમાનમાં ફસાયા હોવાની બાતમી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આશરે ચાર કલાક સુધી સેનાના જવાનોએ જીવ જોખમમાં મુકીને આ ઓપરેશન હાથ ધર્યુ હતુ. તમામને બચાવી લેવામાં આવ્યા છે. સેનાના જવાનો તમામ પ્રકારની મદદ હાલમાં કરી રહ્યા છે. સેનાના જવાનોની કામગીરીને જોઇને પ્રવાસીઓ પણ ભારે પ્રભાવિત થયા હતા. તેમના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. બચાવી લેવામાં આવેલા પ્રવાસીઓને ગંગટોક લઇ જવાયા છે. તેમને તેમના નિર્ધારિત સ્થળ પર પહોંચાડી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સૈનિકોએ મહિલા ટ્યુરિસ્ટોના હાથમાં ફ્રેક્ચર થવાની સ્થિતિમાં તેમને સારવાર આપી છે. જ્યારે કેટલાક પ્રવાસીઓને મેડિકલ સારવાર પણ આપી છે. થાક અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા પણ કેટલાક પ્રવાસીઓને થઇ હતી. સેનાના આ ઓપરેશનથી પ્રવાસી ખુબ પ્રભાવિત થયા હતા.