જાફરાબાદના નાગેશ્રી પોલીસ મથકેથી ફરાર થયેલા ચોરીના આરોપીની આજે સવારે તેના કાકાની મીઠાપુર પાસે સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીના ઢાળીયામાં ગળાફાંસો ખાધેલી હાલતે લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચક્ચાર મચી જવા પામી છે અને પોલીસ સામે માર મારી હત્યા કરાયાના આક્ષેપો થઈ રહ્યાં છે. બનાવ અંગે કોળી સમાજના આગેવાનો દોડી ગયા હતા.
જાફરાબાદના નાગેશ્રી ખાતે ૧પ દિવસ પૂર્વે નાગેશ્રીના ભગાભાઈ દેવહીભાઈના ઘરે ઘરફોડ ચોરી થયેલી જેની ફરિયાદ નાગેશ્રી પો.સ્ટે.માં નોંધાવાયેલી. તેની તપાસ પીએસઆઈ મુળીયા ચલાવી રહ્યાં હતા. દરમિયાન નાગેશ્રીના જ વતની એવા લાલા ભીમાભાઈ રાઠોડ (જાતે કોળી)ને બે દિવસ પૂર્વે પીએસઆઈ મુળીયા સહિત પોલીસે ઉઠાવી લીધો હતો ત્યારે રાત્રિના સમયે અચાનક આરોપી લાલા ભીમા પોલીસ સ્ટેશનમાંથી ફરાર થયો હતો. દરમિયાન લોકસંસારના પ્રતિનિધિએ પીએસઆઈનું નિવેદન લેતા તેમણે જણાવેલ કે, આરોપીની હજુ અટકાયત બતાવી ન હતી અને પૂછપરછ માટે જ લવાયો હોવાનું બહાનુ બતાવ્યું હતું. જો કે, આરોપી પાસેથી તેમજ તેણે વહેંચેલ સોનાના દાગીના રાજુલાના સોની પાસેથી કબ્જે કર્યાનું છડેચોક ચર્ચાઈ રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે મીઠાપર ખાતે આવેલી વાડીની ઓરડીના ઢાળીયા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળી આવી હતી. જેના કારણે સમગ્ર બાબરીયાવાડમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને પીએસઆઈ મુળીયા સહિત પોલીસે લાલા ભીમાને થર્ડ ડીગ્રી આપી પોલીસ સ્ટેશનમાં જ માર મારી મોત નિપજાવી વાડીની ઓરડીના ઢાળીયામાં લટકાવી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યુ હતું. જો કે, લટકતી લાશ એટલી નીચી હતી કે પગ પણ જમીન સાથે ઢસડાતા હતા. આથી તેણે ગળાફાંસો ખાધો ન હોય અને કોઈએ લટકાવી દીધો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું.
આ બનાવ બનતાની સાથે જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જ્યારે મૃતક યુવાનની વિધવા માતાએ તેના પુત્રને નાગેશ્રી પોલીસ લઈ ગઈ હતી અને મોત નિપજાવ્યું હોવાના આક્ષેપો કર્યા હતા. આ બનાવ સંદર્ભે પીએસઆઈ પર આક્ષેપ થતા તેઓ પો.સ્ટે.માં હાજર મળી આવ્યા ન હતા અને તાત્કાલિક પીઆઈ ચનુરા તેમજ કોળી સમાજના આગેવાન ચેતનભાઈ શિયાળ, બાલાભાઈ સાંખટ સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી કાગળો કરી લાશને જાફરાબાદ હોસ્પિટલમાં પીએમ કરાવી મામલો થાળે પાડ્યો હતો. જો કે, આ બનાવ અંગે પીએમ રીપોર્ટ આવ્યા બાદ હત્યા કે આત્મહત્યાનો ભેદ ખુલે તેમ હોય હાલમાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.