ખાનગી શાળાઓ દ્વારા ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. તેનો ઘણા મામલાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. શાળામાં ફીથી કંટાળેલા વાલીઓ દ્વારા અમદાવાદમાં મોટા પાયે આન્દોલન પણ કરવામાં આવ્યું હતું છતા કેટલીક શાળામાં પોતાની મનમાની ચલાવે છે. આવી શાળાઓમાં અમદાવાદના આનંદનગરની કામેશ્વર સ્કુલમાં આવું જ કંઇક બન્યું છે. શિક્ષણ વિભાગના નિયમોને નેવે મુકીને વિદ્યાર્થીઓને પરિક્ષાથી વંચિત રાખતા વાલીઓએ કામેશ્વર સ્કુલમાં હોબાળો મચાવ્યો હતો.આનંદનગર વિસ્તારમાં આવેલી કામેશ્વર સ્કુલમાં પરિક્ષા યોજાઇ રહી છે ત્યારે સ્કુલે ધો. ૫ થી ૮નાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને ફી ન ભરતા અન્ય ક્લાસમાં બેસાડવામાં આવતા હોબાળો મચ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે ચોથા ક્વાટરની ફી બાકી હોવાને કારણે સ્કુલ દ્વારા ૩૬૫ જેટલા વિદ્યાર્થીઓને પહેલા ગ્રાઉન્ડમાં અને ત્યારબાદ ક્લાસમાં બેસાડીને વાલીઓને ફી ભરવા માટે ફોન કરવામાં આવ્યા હતા.
માત્ર એક જ વિદ્યાર્થીનીને વાલીના આક્રોશબાદ પરિક્ષા આપવા દેવાઇ હતી. તો બીજી તરફ સ્કુલે પણ પોતાની ભુલ સ્વીકારતા બાળકોને અન્ય ક્લાસમાં બેસાડ્યાની વાત કબુલી હતી પરંતુ પરિક્ષા તો તમામની લેવાઇ હોવાનુ જણાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સરકારના નિયમ મુજબ વિદ્યાર્થીની ફી બાકી હોય ત્યારે વિદ્યાર્થીને પરિક્ષાથી દુર રાખી શકાય નહી.