ઊંઝા શહેરથી દોઢ-બે કિ.મી. દૂર બનાવેલ નવીન રેલવે સ્ટેશનમાં થયેલ કૌભાંડની તપાસની માંગની સાથે-સાથે નવીન સ્ટેશને તમામ સગવડો તાત્કાલિક ઉભી નહી થાય તો આગામી ૧૭મી ફેબુ્રઆરી ૨૦૧૯ પછી રેલ રોકો આંદોલન કરવાની ચિમકી પૂર્વ ધારાસભ્યે આપી રેલવે સામે લાલ આંખ કરી છે.
આ સંદર્ભે ઊંઝા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલે કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલને પત્ર લખીને ચિમકી આપેલ છે કે ઊંઝામાં શહેર નજીક જૂના રેલવે સ્ટેશને જરુરિયાત પર્યાપ્ત જગ્યા ઉપલબ્ધ હોવા ઉપરાંત ઊંઝાની રેલવે સ્ટેશન નહિ ખસેડવાની ઉગ્ર માંગણી અને વારંવાર રજૂઆતો છતાં ઊંઝાથી દોઢથી બે કિ.મી. મહેસાણા તરફ વગડામાં રેલવે સ્ટેશન નવીન ઉભુ કરવામાં આવેલ છે. જેમાં ૨૦૦ કરોડ કરતાં પણ વધુ નાણાનુ કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરી પૂર્વ ધારાસભ્યે રેલવે સ્ટેશન માટે જમીન ગ્રહણ તેમજ બાંધકામમાં થયેલ કૌભાંડની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ કરી છે.
બીજી તરફ નવીન સ્ટેશનમાં તમામ સગવડોનો અભાવ હોવાછતાં ઉતાવળે જૂના સ્ટેશનેથી નવા સ્ટેશનમાં ખસેડવામાં આવતા હવે સગવડો માટે રેલવે સ્ટેશને માંગણીઓ શરુ થઈ છે. નવીન સ્ટેશને ખસેડવા શા માટે ઉતાવળ કરવામાં આવી તે તપાસનો મામલો બન્યો છે. નવીન રેલવે સ્ટેશને સલામતીથી લઈને અનેક પ્રશ્ને સગવડોનો અભાવ છે.
રેલવે રિઝર્વેશન માટે નગરમાં પોસ્ટ ઓફીસે નવીન સગવડ ઉભી કરવા બાબતે પણ વારંવાર રજૂઆતો કરવા છતાં રેલવેતંત્ર તરફથી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાથી ઉપરોક્ત સઘળી બાબતોએ તા.૧૭-૦૨-૨૦૧૯ સુધીમાં ઉકેલ નહિ મળે તો રેલ રોકો આંદોલન કરવાની પણ ચિમકી પૂર્વ ધારાસભ્યે આપતાં સમગ્ર મામલો ગરમાયો છે. નવીન સ્ટેશન વગડામાં હોવાથી એકલતાનો લાભ લઈ કેટલાક મુસાફરો લુંટાયા હોવાની માહિતી પણ બહાર આવી હોવાથી મુસાફરોની સલામતીનો મામલો ગંભીર બન્યો છે. નવીન સ્ટેશને નગરજનોને બધી રીતે પ્રતિકૂળ હોવાથી રેલવેની આવકમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.