ઉત્તરાયણનું પર્વ આવે એટલે એક તરફ પતંગ રસિયાઓ, વેપારીઓ પોતાની મોજ માટે ધાર દાર દોરીઓ અને અવનવા પતંગો તુક્કલોની ખરીદ વેચાણમાં વ્યસ્ત થઇ જાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક જીવદયા પ્રેમીઓ પણ આ ઉત્તરાયણના પર્વે ખૂબ જ વ્યસ્ત થઇ ગયા છે. ઉત્તરાયણ પર્વે પક્ષી પ્રેમીઓ, જીવદયાના સમર્થનન માટેની ઝૂંબેશ કરનારાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.
પતંગ દોરીથી પક્ષીઓ ઘાયલ ના થાય તેમજ એમને યોગ્ય સારવાર મળી રહે એ માટે વન વિભાગ પણ લોકોને જાગૃત કરવા પ્રયત્નો કરે છે. આ વર્ષે વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર અમદાવાદ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વન વિભાગે યોજેલા કરુણા અભિયાન નામના કાર્યક્રમમાં ખુદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ હાજરી આપી. ૧૧ જાન્યુઆરી, શુક્રવારની સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને ઉપસ્થિત રહી વાઇલ્ડ લાઇફ કેર સેેન્ટરમાં આવતા ઘવાયેલા પક્ષીઓ, એમની સારવાર, ઓપરેશન રુમ્સની મુલાકાત લીધી.
વન વિભાગના આ કેમ્પસમાં વૃક્ષા રોપણ પણ થયું. ત્યાર બાદ મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું કે, ઉત્તરાયણ પર્વને પર્વનો આપણે આનંદ માણીએ પરંતુ સાથે પતંગ-દોરીથી રંગાયેલું આ આકાશ પક્ષીઓના લોહીથી રંગાય નહીં એ પણ ધ્યાન રાખવું જોઇએ. ચાઇનીઝ બનાવટની દોરીઓ, સળગતી તુકક્લો, ઇજા થાય એવા ફટાકડાથી લોકોએ દુર રહેવું જોઇએ. ઉત્તરાયણના ઉત્સવની સાથે જ ઘવાયેલા પક્ષીઓને યોગ્ય સેન્ટરમાં સારવાર મળી રહે તો જ આપણી કરુણા સાર્થક થઇ કહેવાય.
કરુણા અભિયાનના આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રુપાણીની સાથે વન ખાતાના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ, મેયર બિજલબેન તેમજ પશુ-પક્ષીઓ પ્રત્યે સંવેદના ધરાવતા સ્વયં સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.