લોકસભાની ચૂંટણીને લઇને કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને ગુજરાતમાં આ વખતે કૉંગ્રેસ કોઇ જ કસર બાકી રાખવા માંગતી નથી, ત્યારે કૉંગ્રેસ આ વખતની લોકસભા ચૂંટણી માટે ૨ તબક્કામાં ઉમેદવારનાં નામ જાહેર કરશે. પહેલા તબક્કામાં ૧૨ ઉમેદવારનાં નામ કૉંગ્રેસ જાહેર કરશે. પહેલા તબક્કામાં ૧૦થી ૧૨ બેઠક પર સહમતિ કરવામાં આવશે. ગુજરાત કૉંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, હાઇકમાન્ડ સાથે લોકસભા મુદ્દે ચર્ચા થઈ. રાહુલ ગાંધી ગુજરાતમાં વધારે સમય આપે તેવી રજૂઆત કરવામાં આવી છે.
લોકસભાની તૈયારીઓને લઇને વાત કરતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ૪૨ હજારથી વધુ બૂથ પર જન મિત્રની નિમણૂક કરવામાં આવશે. અમે ડૉર ટૂ ડૉર પ્રચાર કરીશું. આ ઉપરાંત પેજ પ્રભારી બનાવવાની પણ કામગીરી ચાલી રહી છે. જાન્યુઆરીનાં અંત સુધીમાં ઉમેદવારની પેનલ નક્કી કરાશે. તેમણે જણાવ્યું કે ફેબ્રુઆરીમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. અમિત ચાવડાનાં જણાવ્યા પ્રમાણે, રાહુલનાં પ્રચાર કાર્યક્રમનું કેલેન્ડર તૈયાર થઈ ગયું છે. ગુજરાતમાં બૂથ લેવલની કામગીરીનું રીવ્યૂ કરાશે.
અમિત ચાવડાએ કહ્યું કે, મીટિંગમાં રાહુલ ગાંધીને ગુજરાતમાં વધારે સમય આપવા વિનંતી કરવામાં આવી છે અને તે ફેબ્રુઆરીમાં ગુજરાત આવી શકે છે.