Know India Programme : ૯ દેશોના યંગસ્ટર્સ ગુજરાતના પ્રવાસે

573

ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ‘નો ઇન્ડીયા પ્રોગ્રામ’ અંતર્ગત ભારત-ગુજરાત ભ્રમણ માટે આવેલા ૯ દેશોના ૪૦ જેટલા યુવાઓને ‘‘કનેકટ ટુ ઇન્ડીયા’’નું પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિવિધતામાં એકતાની સાંસ્કૃતિક ધરોહર અને ધાર્મિક વૈજ્ઞાનિક પરંપરાના સમન્વયથી ભારતે જ્ઞાનની આ સદીમાં યુવા વર્કફોર્સ અને વર્લ્ડ માર્કેટમાં મોટું યોગદાન આપ્યું છે તેની વ્યાપકતાનો લાભ આ વર્લ્ડ યુથ લે તે સમયોચિત છે. મુખ્યપ્રધાનની મુલાકાતે આવેલા આ ૯ દેશોના ૪૦ યુવાઓ ભારત સરકારના વિદેશ મંત્રાલયની ‘નો ઇન્ડીયા પ્રોગ્રામ’ યોજના અન્વયે ગુજરાતના ૧૦ દિવસીય પ્રવાસે આવેલા છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ યુવાશકિત સાથે રસપ્રદ સંવાદ તેમના નિવાસસ્થાને કર્યો હતો. તેમણે કહ્યું કે, યુવાનો હવે હરેક ક્ષેત્રે નેતૃત્વ ક્ષમતાથી આગળ આવી રહ્યા છે અને પોતાના જ્ઞાન કૌશલ્યથી પ્રભાવ ઊભો કરી રહ્યા છે ત્યારે ભારત જેવા વિશાળ જનસંખ્યા ધરાવતા વિકસીત રાષ્ટ્ર માટે પણ આ યુથ પાવર પોતીકાપણું દર્શાવી વિકાસને વધુ ઉન્નત બનાવવા યોગદાન આપે.

મુખ્યપ્રધાને આ યુવાનોને પ્રરેણા આપતાં જણાવ્યું કે, વિશ્વના નાના રાષ્ટ્રોમાં વિકાસ ઝડપી થાય છે કેમ કે તેમણે બહુધા સમસ્યાઓ હોતી નથી પરંતુ ભારત જેવા મોટા રાષ્ટ્રે સમસ્યાઓ બાવજૂદ પણ વિકાસની ઊડાન ભરી છે તે આ યુવાનોએ તેમની મુલાકાતમાં અનુભવ્યું જ હશે.

Previous articleગુજરાતને વધુ સમય આપવા રાહુલ ગાંધી ફેબ્રુઆરીમાં અહી આવી શકે : અમિત ચાવડા
Next article૧૮-૨૦ જાન્યુ. દરમિયાન વાયબ્રન્ટ સમિટ યોજાશે