ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મૅચની વન-ડે શ્રેણીનો પ્રથમ મુકાબલો ભારતીય સમય મુજબ સવારે ૭.૫૦થી લાઇવ થશે. વનડે મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ સોની નેટવર્કની ચેનલ સોની સિક્સ પર પરથી જોઇ શકાશે. જ્યારે હિન્દી કૉમેન્ટ્રી સોની ટેન-૩ પર જોઇ શકાશે. અહીંના મેદાન પર સોમવારે આખરી ટેસ્ટ ડ્રૉમાં જતાં ભારતે યજમાન ટીમની ધરતી પર પહેલી વાર ટેસ્ટ-શ્રેણી જીતવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી હતી.
સિડનીમાં ભારતનો વન-ડેનો રેકૉર્ડ ખરાબ છે. અહીં ઑસ્ટ્રેલિયા સામે ભારત ૧૬માંથી માત્ર બે વન-ડે જીત્યું છે, તેર હાર્યું છે અને એક મૅચ અનિર્ણીત રહી છે. છેલ્લે જાન્યુઆરી, ૨૦૧૬માં આ મેદાન પર ભારતે ઑસ્ટ્રેલિયાને ૬ વિકેટે હરાવ્યું હતું. અણનમ ૧૦૪ રન બનાવનાર મનીષ પાન્ડે એ મૅચનો અવૉર્ડ-વિજેતા હતો. રોહિત શર્માએ એમાં ૯૯ રન અને શિખર ધવને ૭૮ રન બનાવ્યા હતા. ભારતે ૩૩૧ રનનો લક્ષ્યાંક ૪૯.૪ બૉલમાં ૪ વિકેટના ભોગે મેળવી લીધો હતો. જોકે, ભારતે એ મૅચ જીતવા છતાં પાંચ મૅચની સિરીઝ ૧-૪થી હારી હતી. વિરાટ કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, તેમનું ફોકસ આ વર્ષે ઈંગ્લેન્ડમાં થનારા વર્લ્ડ કપ પર રહેશે. ભારત આજે એટલે કે ૧૨ જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝ રમવા ઉતરશે. ત્રણ મેચની વન-ડે સિરીઝ ૧૮ જાન્યુઆરીએ પૂરી થવાની છે. ઓસ્ટ્રેલિયા પછી ભારત ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સિરીઝમાં ભાગ લેશે. ત્યારપછી ટીમ ઈન્ડિયા ભારતમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ૫ વન-ડે રમશે. કોહલીએ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ સાથે વર્લ્ડ કપ ટ્રોફી સાથે તસવીર શેર કરી છે.
૧૯૮૩માં કપિલ દેવે ભારતને પહેલીવાર વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તેના ૨૮ વર્ષ પછી મહેન્દ્ર સિંહ ધોનીએ ૨૦૧૧માં ભારતને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું હતું. હવે ૮ વર્ષ પછી વિરાટ કોહલી પર ભારતને ત્રીજો વર્લ્ડ કપ જીતાડવાની જવાબદારી છે.