વિકાસશીલ ગુજરાતની વાતો કરતી ભાજપ સરકારમાં લોકોને પ્રાથમિક સુવિધા ન મળતા નારાજ જોવા મળી રહ્યાં છે. જેને લઈને આગામી વિધાનસભાની ચૂંટણીને બહિષ્કારની ચિમકીઓ પણ આપી રહ્યાં છે. ભાવનગર શહેર અને જિલ્લામાં આ ચૂંટણી પહેલા અનેક વિસ્તારના લોકો દ્વારા મતદાન બહિષ્કારની ચિમકી આપવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે ભાવનગર વિસ્તારમાં છેલ્લા ૧૭ વર્ષથી પાણી અને રસ્તાની રાહ જોતા હીલપાર્ક-૧, સ્વસ્તિક પાર્ક-૧-ર સહિત ત્રણ સોસાયટીના લોકો દ્વારા સુવિધા ન મળતા મતદાન બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.
ભાવનગર શહેરને સીદસર વિસ્તાર કે જેને થોડા સમય અગાઉ ભાવનગર કોર્પોરેશનમાં ભેળવી દેવામાં આવ્યું છે. આ વિસ્તારમાં છેલ્લા ૧૭ વર્ષથી તંત્ર દ્વારા પાણી નથી આપવામાં આવતું કે નથી સારા રસ્તા બનાવ્યા જેથી આ વિસ્તારના લોકો છેલ્લા ઘણા વર્ષોથી આ બાબતે કોર્પોરેટર-ધારાસભ્ય અને સાંસદને રજૂઆત કરી ચુક્યા છે પરંતુ આજદિન સુધી આ બાબતનું કોઈ નિરાકરણ નથી આવ્યું. આ વિસ્તારના લોકોને પાણી માટે બેરિંગ કે કુવા પર આધાર રાખવો પડે છે. જ્યારે સરકાર રાજ્યમાં તમામ લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં આવી છે તેવી વાતો કરે છે. આ વિસ્તાર કે જ્યાં અનેક સ્કુલો આવેલી છે તેમજ અહીંથી મોટીસંખ્યામાં ટ્રક અને અન્ય મોટા વાહનો પસાર થાય છે. જેથી કાચા રસ્તાને કારણે ખુબ ધુળ ઉડતી હોય ઘર અને લોકોના આરોગ્યને નુકશાન કરી રહી છે જેથી વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેમની આ માંગ અને પ્રાથમિક સુવિધાને લઈને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કર્યો છે. આ વિસ્તારની ત્રણ સોસાયટીના લોકોએ આ વિસ્તારમાં બેનરો લગાવ્યા છે અને જેમાં મતદાન બહિષ્કારની ચિમકી આપી છે ત્યારે આ વિસ્તારના ૬૦૦ ઘરો અને રપ૦૦ મતદારો દ્વારા મતદાન બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.