બોટાદ જિલ્લાના લાખિયાણી ખાતે એ.કેસલિયા વિદ્યામંદિરના આચાર્ય વી.જી. ગોંડલિયાનો નિવૃત્તિ સન્માન સમારોહ તાજેતરમાં શાળાના પટાંગણમાં યોજાઈ ગયો.
કાર્યક્રમમાં લાખાવેણ હનુમાનજી આશ્રમના મહંત અભયનાથજીએ આર્શિવચન પાઠવ્યા હતાં. ગ્રામ વિકાસ ટ્્રસ્ટના સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ સલિયાએ કહ્યું કે આચાર્ય વિનોદરાય ગોંડલિયાએ આ સંસ્થાને વિકસાવવામાં અથાગ મહેનત કરી છે. તેણે શિક્ષકો, સેવકનું વેતન પણ પોતે ચુકવ્યું છે. તેમના ઋણનો સ્વીકાર કરવો જ રહ્યો. સંસ્થાનો શુભારંભ પણ તેમનાથી થયો અને તેઓએ સતત શાળાની ચિંતા સેવી છે. ભાવનગર જીલ્લાના આચાર્ય સંઘના મહામંત્રી તખુભાઈ સાંડસુરે મુખ્ય મહેમાન પદેથી કહ્યું કે ગોંડલિયાનું નેતૃત્વ આ શાળાને સુચારૂ રીતે સાંપડયું છે એટલું જ નહીં તેઓમાં સાલસ, પ્રેમાળ, સ્વભાવથી મિત્ર વર્તુળમાં એટલા જ પ્રિય રહ્યા છે. વિદ્યાર્થીની અને શાળાની સંવેદના હંમેશ તેના હૃદયમાં અનુભુત થતી જોઈ શકાય છે. આવો દૈદીપ્યમાન કાર્યક્રમ તેમનો સાક્ષી છે.
બોટાદ જીલ્લા શિક્ષણાધિકારી ધારાબહેન પટેલ કહ્યું કે સારા શિક્ષકોની ખોટ હંમેશ સમાજને રહી છે. ગોંડલિયા સેવા આ શાળાને હંમેશા મળતી રહે તેવી અભ્યર્થના તેમના શેષજીવનની શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ. બોટાદ શિક્ષણ સમિતિના ચેરમેન કીશોરભાઈ પિપાવતે પણ પોતાની પ્રસન્નતા વ્યકત કરી. આ સમારોહમાં બોટાદ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી ઘનશ્યામભાઈ હેરમા, સંકુલ સંયોજક આર.પી.પટેલ, સાધુ સમાજના અગ્રણી હરેશભાઈ દેસાણી, દિલીપભાઈ ભટ્ટ, દિપકભાઈ વ્યાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. નિવૃત્ત થતાં આચાર્ય, વિનોદરાય ગોંડલિયાએ રૂા. રપ૦૦૦/-નું દાન શાળાને આપવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓ શિક્ષકગણે પણ આચાર્યનું સન્માન કર્યુ હતું. સરપંચ ઘનશ્યામભાઈએ સમગ્ર ગામવતી અભિવાદન કર્યુ હતું. સંચાલન શિક્ષક એમ.કે.વાળાએ કર્યુ હતું.