મહાત્મા ગાંધીના ગુજરાતમાં કોઇપણ વિદેશી મહેમાન આવે તેના માટે ગાંધીજી વિશે જાણવું તે સૌથી મોટી પ્રાથમિકતા હોય છે. આ પ્રાથમિકતામાં સ્વદેશી ક્રાંતિ લાવવા માટે ગાંધીજી જેને હાથવગુ હથિયાર ગણતા હતા તે ચરખો સૌથી મોખરે છે.
વાઈબ્રન્ટ સમિટમાં મહાત્મા મંદિરના વીવીઆઇપી ગેટ તરીકે જાણીતા ગેટ નંબર-૧થી પ્રવેશ મેળવીએ એટલે બિલ્ડિંગની અંદર આવતા તરત જ સામે ગાંધીજીનું સ્ટેચ્યૂ અને ચરખો નજરે પડતો હતો. પણ, ૧૮મી જાન્યુઆરીથી શરૂ થતી વાઈબ્રન્ટ સમિટમાં ચરખો તેના સ્થાનેથી હટાવી દેવાતા મહેમાનો પણ તેની પૂછપરછ કરી રહ્યા છે.ગુજરાતમાં ગાંધીજીનો ચરખો અને ગાંધીજીને જોવા માટે આતુર વિદેશી માટે વાઈબ્રન્ટ સમિટના મુખ્ય બિલ્ડિંગમાં અંદર આવતા જ પ્રવેશ દ્વારની સામે ગાંધીજીના સ્ટેચ્યૂ અને ચરખો રહેતા હતા.
વિદેશી મહેમાનો માટે આ બંને વસ્તું જોવી તે કેન્દ્રસ્થાને રહેતું હતું. વાઈબ્રન્ટ ગુજરાતમાં ઉઝબેકિસ્તાન પાટર્નર કંટ્રી છે. ઉઝબેકિસ્તાનના એમ્બેસેડર ગુરુવારે સવારે ૧૧ વાગ્યા આસપાસ વાઈબ્રન્ટ સમિટ કેમ્પસની મુલાકાતે આવ્યા હતા. તેમણે બિલ્ડિંગમાં પ્રવેશ મેળવતા જ સીધો પ્રશ્ન કર્યો હતો કે, ‘વોટ ઇઝ ચરખા, વેર ઇઝ ચરખા, આઇ વોન્ટ ટુ સી ચરખા.’ જો કે, મહેમાનનો આવો પ્રશ્ન સાંભળીને જે સ્થળે ચરખો રહેતો હતો ત્યાં ચરખો ન હોવાથી સૌ મૂંઝાઇ ગયા હતા.