ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનાં બીજા દિવસે વડાપ્રધાન નરેનદ્ર મોદી આજે તેમના અસલી અંદાજમાં દેખાયા હતા અને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોની જોરદાર ઝાટકણી કાઢી હતી. મોદીએ કહ્યું હતું કે વિરોધ પક્ષો મજબુર સરકાર માટે ઈચ્છુક છે. જ્યારે દેશ મજબૂત સરકાર માટે ઈચ્છુક છે.
દેશમાં ફરીથી લૂંટ ચલાવી શકાય તે ઈરાદાથી મજબુર સરકાર બનાવવા માટે વિરોધ પક્ષો ઈચ્છુક છે. ફરીથી કૌભાંડોની દુકાનો બંધ થઈ જાય, યુરીયા કૌભાંડ કરી શકાય તે ઈરાદા સાથે મજબુર સરકાર લાવવા માટે વિરોધ પક્ષો ઈચ્છુક છે. દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં બીજા દિવસે મોદીએ કહ્યું હતું કે મહાગઠબંધનના નામ ઉપર લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ પ્રકારના લોકો મજબુર સરકાર બનાવવા ઈચ્છુક છે.
દેશને લૂંટી લેવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વિરોધ પક્ષોની ઝાટકણી કાઢતા મોદીએ કહ્યું હતું કે રાજનીતિ વિચારો અને ગઠબંધનો ઉપર આધારીત હોય છે પરંતુ પ્રથમ વખત એવું બની રહ્યું છે જ્યારે એકબીજાને જોઈ શકવાની સ્થિતિમાં નહીં રહેલા વિરોધ પક્ષો માત્ર એક વ્યક્તિને હરાવવા માટે સાથે આવી રહ્યા છે.
અયોધ્યા જમીન વિવાદ કેસ અંગે વાત કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આ વિવાદને ઉકેલવામાં આવે તેમ ઈચ્છુક નથી. મોદીએ એમ પણ કહ્યું હતું કે ૧૨ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીએ તેમને સતત હેરાન પરેશાન કર્યા હતા. અમિત શાહને જેલમાં પુરી દેવામાં આ લોકો સફળ રહ્યા હતા. વિવિધ પ્રકારના કાયદાઓ હેરાન કરવા માટે બનાવવામાં આવ્યા હતા. પોતાના મુખ્યમંત્રી કાળનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને છત્તીસગઢ સીબીઆઈ ઉપર પ્રતિબંધ મુકવાના દાખલા આપી રહ્યા છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે આ લોકોએ એવા કયા કામ કરેલા છે જેના કારણે સીબીઆઈ ઉપર પ્રતિબંધ મુકવાની ફરજ પડી રહી છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ૧૨ વર્ષ સુધી કોંગ્રેસ અને તેમના સાથીઓના ઈશારે કાર્યવાહી થઈ રહી હતી. તેમના ઈશારે ચાલતા રિમોટના બદલે નેતાઓ અને અધિકારીઓએ અમને હેરાન કર્યા હતા. તેમના શાસન તંત્રએ દરેક રીતે તેમને પરેશાન કર્યા હતા. કોઈ તક ગુમાવી ન હતી. અગાઉની કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે તેમની એક પણ એજન્સી એવી ન હતી જે એજન્સીએ તેમને હેરાન કર્યા ન હતા. ૨૦૦૭માં કોંગ્રેસના એક મોટા નેતા ગુજરાત આવ્યા હતા અને ચુંટણી સભામાં દાવો કર્યો હતો કે મોદી થોડાક મહિનામાં જેલભેગા થઈ જશે. વિધાનસભામાં કોંગ્રેસના નેતા ભાષણ આપતા હતા કે મોદી જેલ જવાની તૈયારી કરે. હવે મુખ્યમંત્રી છે તો જેલની સફાઈ માટેની તૈયારી કરવા ટકોર કરવામાં આવતી હતી. સીબીઆઈની ખાસ અદાલતના ચુકાદા સાંભળ્યા હશે. ચુકાદાથી સાફ થઈ જાય છે કે કઈ રીતે યુપીએ સરકારના એકમાત્ર એજન્ડા કોઈ રીતે મોદીને ફગાવી દેવાનો રહ્યો હતો. મોદીને ફસાવો અને અમિત શાહને જેલભેગા કરો તે ઈરાદા સાથે અગાઉની સરકાર કામ કરી રહી હતી. અમિત શાહને જેલમાં પુરાવામાં સફળ પણ રહ્યા હતા. એવાય નિયમ બનાવાયા હતા કે જેના કારણે સીબીઆઈ પણ સતત તપાસ કરી રહી હતી, છતાં અમે ક્યારેય પણ એવા નિયમ બનાવ્યા ન હતા જેના કારણે સીબીઆઈ ગુજરાતમાં ઘુસી શકે નહીં. અમારી પાસે પણ સત્તા હતા. અમે પણ કાનૂન જાણતા હતા પરંતુ સત્ય અને કાનૂન ઉપર વિશ્વાસ રાખતા હતા. આ લોકો પોતાના કાળા કારનામાનો ખુલાસો કરવાથી ભયભિત થયેલા છે. કાળા નાણાં અને ભ્રષ્ટાચારની સામે જે કાર્યવાહી થઈ રહે છે જેના કારણે દેશની રાજનીતિ બદલાઈ રહી છે. ભાજપના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું હતું કે દેશની રાજનીતિમાં પ્રથમ વખત આવું બની રહ્યું છે જ્યારે સરકાર પર ભ્રષ્ટાચારના કોઈ આરોપ થઈ રહ્યા નથી અને તમામ લોકો આના ઉપર ગર્વ કરી શકીએ છીએ. અગાઉની સરકારોએ દેશને અંધારામાં ધકેલી દીધો હતો. ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી ૧૦ વર્ષ દેશમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોની વ્યવસ્થા હતી. રાફેલનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે સંસદના ચર્ચાના સમયે અમારા એક સાથીએ સરળ ભાષામાં દાખલો આપતા કહ્યું હતું કે જો ખાલી બોરી ખરીદવામાં આવશે તો તેની કિંમત ઓછી રહેશે. જો તેજ બોરીમાં ચોખા ભરીને ખરીદવામાં આવશે તો તેની કિંમત વધી જશે. આ બાબત સરળ વ્યક્તિ પણ સમજી શકે છે. જુની કહેવાત છે કે ઉંઘતી વ્યક્તિને જગાડી શકાય છે પરંતુ જાગેલી વ્યક્તિને ઉંઘી જવાના બહાના જો કરે તો જગાડી શકાય નહીં.