ભારતીય ટીમના ઉપ-કપ્તાન રોહિત શર્માનું માનવુ છે કે મહેન્દ્ર સિંઘ ધોનીએ ચોથા નંબર પર બેટિંગ કરવા માટે મેદાન પર ઉતરવું જોઇએ. શનિવારે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પ્રથમ વન-ડેમાં ધોનીએ ૯૬ બોલમાં ૫૧ રન બનાવ્યા હતા. ધોની એ સમયે બેટિંગ માટે મેદાન પર ઉતર્યા હતા જ્યારે ભારતીય ટીમ ચાર રનમાં જ પોતાની ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી. ધોનીએ પછીથી રોહિત શર્મા સાથે મળીને ૧૪૧ રનની ભાગીદારી કરી હતી. તેમ છતા યજમાન ટીમ સામે ભારતને ૩૪ રનથી હાર મળી હતી. છેલ્લી ૧૩ જેટલી મેચમાં ધોનીએ માત્ર ૨૫ની સરેરાશથી રન બનાવ્યા હતા, જ્યારે બીજી તરફ રાયડૂએ નબંર-૪ પર આવી ને ૪૫ની સરેરાશથી રન બનાવ્યા હતા. તેમ છતા રોહિતનુ માનવું છે કે નંબર-૪ પર રાયડૂની જગ્યા પર ધોનીને બેટિંગ કરવાનો મોકો આપવો જોઇએ. રોહિતે આ વિશે નિવેદન આપતા કહ્યું હતું કે મને વ્યક્તિગત રીતે લાગે છે કે ધોનીને નંબર-૪ પર બેટિંગ કરવી જોઇએ જે ટીમ માટે ફાયદાકારક છે.