જજને પોતાના ન્યાય માટે આમરણ ઉપવાસ પર ઉતરવું પડ્યું

597

પોતાની જ બિલ્ડિંગમાં પાર્કિંગ ન મળતા અમદાવાદના એક નિવૃત્ત જજે આમરણ ઉપવાસ કરવાની મંજૂરી માગી છે. ૨૮ વર્ષ સુધી જેઓ ન્યાયતંત્રમાં ઉચ્ચ પદવી પર ન્યાયધીશ રહ્યા. જો કે આજે ન્યાય માટે આમરણાંત ઉપવાસ કરવાની તેઓને ફરજ પડી છે. મીઠાખળી ખાતેના તુલસી કોમ્પ્લેક્સમાં તેમની ઓફિસ આવેલી છે. આ બિલ્ડિંગમાં આવેલી ઓફિસ માટેના પાર્કિંગ અને ભોંયરાની જગ્યામાં બિલ્ડર અને મળતિયાઓએ કબ્જો કરી લીધો છે. જેના કારણે કોમ્પ્લેક્સ માટે પાર્કિંગની જગ્યા રહી જ નથી.શહેરના મીઠાખળી સર્કલ પાસે તુલસી કોમ્પલેક્સમાં નિવૃત્ત ન્યાયધીશ રઘુવીર ચૌધરી રહે છે. રિટાયર્ડમેન્ટ બાદ હવે તેઓ છેલ્લાં ૮ વર્ષથી વકીલાતની પ્રેક્સિસ કરી રહ્યા છે અને અહી તેમની ઓફિસ આવેલી છે. જો કે તેમની બિલ્ડીંગના ભોંયરામાં અને પાર્કિગમાં બિલ્ડર અને તેના મળતીયાઓએ ગેરકાયદેસર કબ્જો કરી લીધો છે. પરિણામે તેઓને અને કોમ્પ્લેક્સના અન્ય વેપારીઓએ પોતાના વાહન કોમ્પલેક્સના આગળના ભાગે પાર્ક કરવા પડે છે અને તેના માટે રોજેરોજ કોર્પોરેશનને રૂપિયા ચૂકવવા પડે છે. બિલ્ડર સામે છેલ્લા ૮ વર્ષથી લડી રહેલા રઘુવીર ચૌધરીને એક પણ સરકારી કચેરીમાંથી ન્યાય મળ્યો નથી. જેથી તેમણે ન્યાય માટે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની માટે પોલીસની મંજૂરી માંગી છે. જજ રઘુવીર ચૌધરીએ એવો આક્ષેપ કર્યો છે કે, બિલ્ડરે પાર્કિંગની જગ્યાએ દુકાનો બનાવી દીધી. આ બિલ્ડિંગ રાધે ડેવલોપર્સના બિલ્ડર આશિષ પટેલ દ્વારા બનાવવામાં આવી હતી. જેમાં પાર્કિંગ અને ગોડાઉનની જગ્યામાં બિલ્ડર અને મળતિયાઓએ દુકાનો બનાવી દીધી હતી. જેથી રઘુવીર ચૌધરીએ તુલસી કોમ્પ્લેક્સને પાર્કિંગ પાછું અપાવવાના મુદ્દે લડત શરૂ કરી છે. છેલ્લા ૮ વર્ષથી તેમણે કોર્પોરેશન, પોલીસ તેમજ શહેરી વિકાસ ખાતામાં અનેક ફરિયાદો કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. એક સિનીયર રિટાયર્ડ ન્યાયધીશને ન્યાય માટે વલખા મારવાનો વારો આવ્યો છે.

Previous articleઝઘડો જોવા જતા કુહાડી વાગતા યુવકનું મોત, પરિવારમાં આક્રંદ
Next articleભાનુશાળીની હત્યા બાદ હવે પરિજનને સુરક્ષા પુરી પડાઈ