યુપી : એકલા હાથે ચૂંટણી લડવાનો કોંગ્રેસનો નિર્ણય

539

વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશમાં થયેલા મહાગઠબંધન બાદ કોંગ્રેસે આજે મોટુ નિવેદન કર્યું હતું. પાર્ટીના મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં તમામ ૮૦ સીટો ઉપર પૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડશે. આઝાદે કહ્યું હતું કે, દેશમાં યોજાનાર ચૂંટણીના મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થનાર છે. આના માટે પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ ઉત્તરપ્રદેશમાં ગઠબંધનનો હિસ્સો બનશે તેમ અગાઉ માનવામાં આવી રહ્યું હતું પરંતુ હવે સપા અને બસપા દ્વારા ગઠબંધનની જાહેરાત કરવામાં આવ્યા બાદ અટકળોનો અંત આવ્યો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટીએ હવે એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. આજે રવિવારના દિવસે કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પ્રભારી ગુલામ નબીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી એકલા હાથે લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે.

બીજી બાજુ મહાગઠબંધનની જાહેરાત બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય લોકદળની સાથે સમજૂતિ નહીં થતાં હવે આરએલડીએ પણ કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી છે. જો કે, કોંગ્રેસે તમામ સીટો ઉપર એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કરતા આરએલડીની મુશ્કેલી પણ વધી ગઈ છે. આરએલડી હવે લોકસભાની ચૂંટણીમાં કોની સાથે લડશે તેને લઇને ટૂંકમાં જ નિર્ણય લેવામાં આવશે. એકબાજુ કોંગ્રેસે એકલા હાથે ચૂંટણી લડવાનો અને બસપ અને સપાએ આરએલડીને માત્ર બે બેઠકો આપવાનો નિર્ણય કરતા અજીતસિંહની મુશ્કેલીમાં ચિંતાજનકરીતે વધારો થયો છે. લોકસભા ચૂંટણીમાં નવા નવા સમીકરણો રચાઈ ગયા છે. આવી સ્થિતિમાં ઉત્તરપ્રદેશમાં ચૂંટણી વધુ રોમાંચક બની ગઈ છે. છેલ્લી ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં યુપીની ૮૦ સીટો પૈકી ૭૩ સીટો એનડીએ ગઠબંધને જીતી હતી. સપાને પાંચ અને કોંગ્રેસને બે સીટો મળી હતી.

Previous articleઅમારી પુરેપુરી તૈયારી, કોંગ્રેસ યુપીમાં તમામ ૮૦ સીટો પરથી ચૂંટણી લડશે : ગુલામ નબી
Next articleકુલગામ : અથડામણમાં અંતે કુખ્યાત ત્રાસવાદી જિનત ઠાર