જમ્મુ કાશ્મીરના કુલગામમાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ખૂંખાર ત્રાસવાદી જીનત ઉલ ઇસ્લામ સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. બોંબ બનાવવામાં આ આતંકવાદી ખુબ જ નિષ્ણાંત તો અને હાલમાં સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવવાના ઇરાદાથી બોંબ બનાવવામાં આવી રહ્યા હતા. બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. ત્રાસવાદીઓની ઉપસ્થિતિ અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કટપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ તપાસ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ગાળા દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જવાબમાં કાર્યવાહી કરવામાં આવતા આ બંને આતંકવાદીઓ ઠાર થયા હતા. ઘટનાસ્થળથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં એકની ઓળખ ખૂંખાર આતંકવાદી જિનત ઉલ ઇસ્લામ તરીકે થઇ છે.
અધિકારીઓએ કહ્યું છે કે, આતંકવાદીઓ પૈકી જિનત ઉલ ઇસ્લામ અલબદર ત્રાસવાદી સાથે જોડાયેલો હતો. બીજા આતંકવાદીની ઓળખ હજુ થઇ શકી નથી. જિનત ઉલ ઇસ્લામ પહેલા હિઝબુલ મુઝાહિદ્દીન સાથે જોડાયેલો હતો. મોડેથી તે અલબદર સાથે જોડાઈ ગયો હતો. ખીણમાં હાલના દિવસોમાં સુરક્ષા દળોને આઈઇડી મારફતે ટાર્ગેટ બનાવવાની અનેક ઘટનાઓ બની ચુકી છે. આ તમામ ઘટનાઓમાં તેની સીધી સંડોવણી હતી. નૌશેરા સેક્ટરમાં હાલમાં જ આઈઈડી મારફતે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મેજર સહિત બે જવાન શહીદ થયા હતા. ઓપરેશન ઓલઆઉટના પરિણામ સ્વરુપે આતંકવાદીઓ હાલમાં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.