ઉત્તરી ચીનમાં ખાણની છત ધ્વસ્ત થઈ જતા ૨૧ લોકો મોતને ભેટ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. શાન્ઝી પ્રોવિન્સ ખાતે આવેલી ખાણમાં શનિવારે આ દુર્ઘટના ઘટી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આ ખાણમાં કુલ ૮૭ મજૂરો કામ કરી રહ્યા હતા. શિન્હુઆ એજન્સીના મતે ૬૬ લોકોને સલામત રીતે એરલિફ્ટ કરી લેવાયા છે. બેઈજી માઇનિંગ દ્વારા સંચાલિત આ ખાણની સાઈટ પર દુર્ઘટના કઈ રીતે ઘટી તેની તપાસ ચાલી રહી છે. ચીનમાં ખાણની અંદર ગંભીર દુર્ઘટના સામાન્ય ગણવામાં આવલે છે. કુદરતી સંપદાનો ખજાનો ધરાવતા આ વિસ્તારમાં ઉદ્યોગો દ્રારા કામદારોની સુરક્ષા પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવે છે.
ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો બન્યા હતા જેમાં હજારો લોકોના મોત થયા હતા. ગેરકાયદે ખનન પણ ચીન માટે માથાનો દુઃખાવો બની ગયું છે. ગત વર્ષે ડિસેમ્બમાં સાત ખાણિયાઓ દક્ષિણ પશ્ચિમ ચીનમાં કોલ માઈનમાં મોતને ભેટ્યા હતા જ્યારે ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. ઓક્ટોબરમાં પૂર્વ શાન્ડોંગ પ્રાંતમાં ખાણમાં પથ્થરો તોડવા માટે પ્રેશર વધારાતા ટનલ બુરાઈ જવાથી મજૂરો ફસાઈ ગયા હતા અને ૨૧ ખાણિયાઓના મોત થયા હતા. ફક્ત એકનો જ જીવ બચાવી શકાયો હતો.
ચીનના કોલ માઈન સેફ્ટિ એડમિનિસ્ટ્રેશનના આંકડા મુજબ ૨૦૧૭માં કુલ ૩૭૫ મજૂરોના કોલસાની ખાણમાં કામ કરતા મોત થયા હતા, જે આગલા વર્ષની તુલનાએ ૨૮.૭ ટકાનો ઘટાડો દર્શાવે છે.