કોંગ્રેસ સરકાર ઉદ્યોગપતિઓની નહીં ગરીબ પ્રજાની હશે : રાહુલ

833
guj9122017-1.jpg

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તાજેતરમાં નોમીનેશન ફાઇલ કર્યા બાદ રાહુલ ગાંધીએ ફાઇનલ તબક્કાના ચૂંટણી પ્રચારમાં આજે છોટા ઉદેપુર, તારાપુર સહિતના સ્થળોએ જાહેરસભાઓ ગજવી કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધીએ આજે તેમની પ્રચાર સભામાં જય સરદાર, જય ભવાની, જય ભીમ, જય આદિવાસીના નારા લગાવી લોકોને આશ્ચર્યમાં નાંખ્યા હતા, તો રાહુલે આજે પણ શિક્ષણ, ખેડૂતો અને રોજગાર સહિતના મુદ્દાઓને લઇ મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર એ માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે, જયારે કોંગ્રેસની સરકાર આવશે એ ગુજરાતના ગરીબોની પોતાની સરકાર હશે આમ કહી રાહુલ ગાંધીએ આવખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો. રાહુલે ખેડૂતોને ૧૬ કલાક વીજળી આપવાની અને તેમના દેવા માફ કરવાની વાત પણ દોહરાવી ખાતરી આપી હતી. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોની કે જનતાની વાત કે વેદના કોઇ સાંભળતુ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર તેમની મનની વાત સંભળાવી જાય છે અને તેમનું ધાર્યું જ કરે છે. છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં જનતાનો-પ્રજાનો અવાજ સંભળાતો નથી પરંતુ આ વખતે ગુજરાતની જનતાને સરપ્રાઇઝ મળવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસની કે સ્થાનિક મુદ્દાઓની વાત નથી કરતા પંરતુ અફઘાનિસ્તાન, ચીન અને જમ્મુ-કાશ્મીરની વાત કરે છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઇને જણાવ્યું હતું કે, કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં પ્રજાલક્ષી અને લોકોનો કલ્યાણ  અને ખુશહાલ જીંદગીની વાત કરી વચનો આપ્યા છે. કારણ કે, કોંગ્રેસ ગુજરાતના વસતા તમામ કુંટુંબોને ખુશહાલ જોવા ઇચ્છે છે. આ માટે કોંગ્રેસના નેતાઓ, આગેવાનો અને કાર્યકરોએ લોકોના ઘેર-ઘેર જઇ, ગામડે ગામડે ફરી લોકોના, ગ્રામજનોના અને સમાજના તમામ વર્ગ-સમુદાયની ઇચ્છા, અપેક્ષાઓ, પ્રતિભાવો, અભિપ્રાયો જાણ્યા અને સમજયા બાદ આ ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે. રાહુલ ગાંધીએ નર્મદા મુદ્દે ફરી એકવાર મોદી સરકાર અને ભાજપને આડા હાથે લીધા હતા કે, છેલ્લા ૨૨ વર્ષોથી ગુજરાતમાં નર્મદાની વાતો થાય છે. શું તમને નર્મદાના પાણી મળ્યા ? જેથી ઉપસ્થિત જનમેદનીમાંથી નકારનો જવાબ ઉઠયો હતો. રાહુલે ફરી એકવાર ટાટા નેનો મુદ્દે મોદી સરકાર પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે મનરેગામાં રૂ.૩૫ હજાર કરોડ ફાળવ્યા હતા, જયારે મોદીજીએ તેટલી જ રકમ માત્ર એક કંપની ટાટા નેનોને ફાળવી દીધી. મોદીજીએ લોકોને રોજગારી આપવાનો વાયદો કરી પાંચ ગામોના ખેડૂતોની જમીન લઇ લીધી હતી અને ટાટા નેનો કંપનીને ફાળવી દીધી હતી પરંતુ લોકોને ના રોજગારી મળી કે નથી તો રોડ ફર નેનો ગાડી દેખાતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમારી જમીનો, પાણી અને વીજળી છીનવી લેવાય છે અને તે મોદીજીના માનીતા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાય છે. કચ્છના મુંદ્રામાં એક વ્યકિતને ૪૫ હજાર એકર જમીન માત્ર એક રૂપિયા પ્રતિ ચો.મીના ભાવે પધરાવી દેવાઇ અને આ વ્યકિતએ તમારી આ જમીનો થોડા મહિનાઓ પછી રૂ.ત્રણથી પાંચ હજારમાં એચપીસીએલ સહિતની સરકારી કંપનીઓને વેચી મારી..આમ કહી રાહુલ ગાંધીએ અદાણી જૂથને નિશાના પર લઇ લીધુ હતું. રાહુલે રાફેલ હવાઇ જહાજના કોન્ટ્રાકના મુદ્દે પણ વડાપ્રધાન મોદી પર સીધા પ્રહારો કર્યા હતા કે, મોદીએ અનુભવી સરકાર કંપની સાથેનો રાફેલ હવાઇ જહાજનો કોન્ટ્રાકટ રદ કરી હજારો કરોડની ઉંચી કિંમતે તે પોતાના ખાસ ઉદ્યોગતિને આપી દીધો કે જેણે કયારેય હવાઇ જહાજ બનાવ્યા નથી. આ ઉદ્યોગપતિના માથે રૂ.૪૫ હજાર કરોડનું તો દેવું છે. રાહુલ ગાંધીએ રાફેલ હવાઇ જહાજ ડીલ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂછેલા ત્રણ સવાલો આજે ફરીથી દોહરાવ્યા હતા અને તેમની પાસેથી જવાબની માંગણી કરી હતી. રાહુલે શિક્ષણ, બેરોજગારી, આરોગ્ય સેવા, ખેડૂતો અને મહિલા સુરક્ષા સહિતના મુદ્દે પણ મોદી સરકાર અને ભાજપને આડા હાથે લીધા હતા. રાહુલ ગાંધીએ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં જોરદાર પ્રચાર જારી રાખ્યો છે.
 

Previous article અમરેલીમાં કુલ ૧૧,૭૪,૩૯૪ મતદારો તા.૯મીએ કરશે મતદાન
Next article ભાજપ સંકલ્પપત્ર : વડોદરા અને સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ કરવા વચન