અબાલ- વૃધ્ધ સૌના પ્રિય એવા ઉત્તરાયણ, મકરસંક્રાંતિ પર્વની ૧૪ જાન્યુઆરી સોમવારના રોજ ઉજવણી થનાર છે. ત્યારે તે પુર્વ રવિવાર રજાના દિવસે પતંગ રસીકો દ્વારા આકાશી યુધ્ધની તૈયારીના ભાગરૂપે ફીરકી તૈયાર કરાવવા તથા રંગબેરંગી પતંગોની ખરીદી કરવામાં વ્યસ્ત બન્યા હતાં. શહેરના વિવિધ વિસ્તારોમાં માંજાવાળાને ત્યાં રવિવારે સવારથી જ માંજો ચડાવવા માટે ધુમ ગીર્દી થવા પામી હતી જે કામગીરી મોડી રાત્રી સુધી શરૂ રહેવા પામી હતી. જયારે એમ.જી.રોડ, હેવમોર, પિરછલ્લા શેરી, વોરાબજાર સહિત બજારોમાં પતંગ રસીકોએ જાતભાતના પતંગોની ખરીદી કરી હતી સાથો સાથ તડકાથી બચવા માટે ગોગલ્સ, સનગ્લાસ, ટોપીની પણ ખરીદી કરાઈ હતી. મકરસંક્રાંતિએ દાન-પુણ્યનું મહાત્મય હોય શીંગ- તલ – મમરાના લાડવા, શેરડી, જામફળ, સહિતનું પણ બજારમાં ધુમ વેચાણ થયેલ સોમવારે સવારથી જ પતંગ રસીકો ધાબા ઉપર ચડીને પતંગની મોજ માણશે જયારે કેટલાક લોકો એ તો ધાબા ઉપર માઈક સેટ, ડી.જે. સહિતની પણ ગોઠવણ કરી છે જયારે મોડી સાંજે આતશબાજી કરવા માટે ફટાકડા તેમજ તુક્કલની પણ તૈયારીઓ કરી લીધી છે. આજે રવિવારે દિવસભર પતંગ-દોરા સહિતની ચીજવસ્તુની ખરીદી કરવા સહિતથી તૈયારીમાં પતંગ રસીકો વ્યસ્ત રહ્યા હતાં.