ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચોની વનડે શ્રેણીની બીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટે હરાવીને શ્રેણીમાં ૧-૧ની બરોબરી કરી લીધી છે. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ ૧૦૩ રન બનાવ્યા હતા. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ ૫૫ રન ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો. તેની સાથે દિનેશ કાર્તિક ૨૫ રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૯૮ રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે ૨૯૯ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે ૪૯.૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. છેલ્લી ૨ ઓવરમાં ભારતને જીતવા માટે ૧૬ રનની જરૂર હતી. ધોની અને કાર્તિકે ચાર બોલ બાકી રાખીને ભારતને વિજય અપાવ્યો હતો.
૨૯૯ રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને ઓપનર શિખર ધવન અને રોહિત શર્માએ ઝડપી શરૂઆત અપાવી, પરંતુ તે જાળવવામાં નિષ્ફળ રહ્યાં હતા. શિખર ધવનના રૂપમાં ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. તે ૩૨ રન બનાવી જેસન બેહરેનડોર્ફના બોલ પર ઉસ્માન ખ્વાજાને કેચ આપી બેઠો હતો. ત્યારબાદ રોહિત અને કેપ્ટન વિરાટે ૫૪ રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ ભારતનો સ્કોર ૧૦૦ને પાર પહોંચાડ્યો હતો. રોહિત આક્રમક જણાતો હતો. તેણે સ્ટોઇનિસના બોલ પર પૂલ શોટ રમીને સિક્સ ફટકારવાનો પ્રયાસ કર્યો પરંતુ બાઉન્ડ્રી પર હૈંડ્સકોમ્બના હાથે કેચઆઉટ થઈ ગયો હતો. તેણે ૫૨ બોલમાં ૨ ફોર અને ૨ સિક્સ ફટકારી હતી.
ત્યારબાદ રાયડૂ અને વિરાટે ત્રીજી વિકેટ માટે ૫૯ રન જોડ્યા હતા. આ દરમિયાન વિરાટે કરિયરની ૪૯મી અડધી સદી પૂરી કરી હતી. ટીમનો સ્કોર ૧૫૦ને પાર થયો ત્યારબાદ રાયડૂ મેક્સવેલના હાથે સ્ટોઇનિસને કેચ આપી બેઠો હતો. તેણે ૩૬ બોલનો સામનો કરતા ૨૪ રન બનાવ્યા હતા.
આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમે શોન માર્શ શાનદાર સદી (૧૩૧) અને મેક્સવેલ (૪૮)ની આક્રમક ઈનિંગની મદદથી ૫૦ ઓવરમાં ૯ વિકેટ પર ૨૯૮ રન બનાવ્યા હતા. ભારતને જીતવા માટે ૨૯૯ રન બનાવવાના છે. માર્શે ૧૨૩ બોલમાં ૧૧ ફોર અને ૩ સિક્સ ફટકારી, જ્યારે મેક્સવેલે ૩૭ બોલનો સામનો કરતા ૫ ફોર અને એક સિક્સ ફટકારી હતી. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે સૌથી વધુ ૪ વિકેટ લીધી, જ્યારે શમીને ત્રણ સફળતા મળી હતી. જાડેજાને પણ એક વિકેટ મળી હતી. આ મેચમાં પર્દાપણ કરનાર મોહમ્મદ સિરાજ સૌથી મોંઘો સાહિત થયો હતો. તેણે ૧૦ ઓવરમાં ૭૬ રન આપ્યા, જ્યારે કુલદીપ યાદવે ૧૦ ઓવરમાં ૬૬ રન આપ્યા હતા. બંન્નેને એકપણ સફળતા ન મળી.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી યજમાન ટીમની શરૂઆત ધીમી રહી હતી. ઓસ્ટ્રેલિયાના ૭મી ઓવરના અંતિમ બોલ પર કેપ્ટનના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ભુવનેશ્વર કુમારે ફિન્ચને અંદર આવતા બોલ પર બોલ્ડ કરીને પેવેલિયન મોકલી આપ્યો હતો. તેણે ૧૯ બોલમાં ૬ રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાની ઈનિંગની આઠમી ઓવરમાં શમીએ એલેક્સ કેરીની આઉટ કરીને ઓસિને બીજો ઝટકો આપ્યો હતો. કેરીએ ૨૭ બોલમાં ૨ ચોગ્ગાની મદદથી ૧૮ રન બનાવ્યા હતા. ત્યારબાદ ઉસ્માન ખ્વાજા અને શોન માર્શે બાજી સંભાળતા ટીમનો સ્કોર ૫૦ને પાર પહોંચાડ્યો હતો. પરંતુ ઝડપથી રન લેવાના પ્રયાસમાં જાડેજાના શાનદાર થ્રો દ્વારા ખ્વાજા રનઆઉટ થયો હતો. તેણે ૨૩ બોલમાં ૨૧ રન બનાવ્યા હતા. ખ્વાજા અને માર્શ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૫૬ રનની ભાગીદારી થઈ હતી. ચોથી વિકેટના રૂપમાં હૈંડ્સકોમ્બ આઉટ થયો હતો. તે ૨૦ રન બનાવી જાડેજાના બોલ પર ધોનીના હાથે સ્ટંપ્સ આઉટ થયો હતો.