ઈરાનની રાજધાની તહેરાન પાસે સેનાનું એક કાર્ગો પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ વિમાનમાં લગભગ ૧૦ લોકો સવાર હતા. સ્થાનિક મીડિયાએ આજે સવારે આ જાણકારી આપી હતી. સમાચાર એજન્સી ફાર્સે તેને સેનાનું વિમાન ગણાવતાં કહ્યું કે તેમાં ૧૬ લોકો સવાર હતા. માત્ર એક વિમાન એન્જિનિયર જ બચી શક્યો હતો. ઈરાનના વિમાન સંગઠનના પ્રવકતા રઝા જાફરજાદેહે સરકારી પ્રસારક આઈઆરઆઈબીને કહ્યું કે માલવાહક બોઈંગ-૭૦૭ ઊતરતી વખતે રન-વે કરતાં આગળ નીકળી ગયું હતું. આઈઆરઆઈબીએ શરૂઆતમાં કહ્યું હતું કે વિમાનમાં ૧૦ લોકો સવાર હતા.
દેશની સમાચાર એજન્સી તસ્નીમે જણાવ્યું કે તે સેનાનું એક માલવાહક વિમાન હતું, જે કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કેકથી માંસ લઈને આવી રહ્યું હતું. આઈઆરઆઈબીએ કહ્યું કે અલબોર્ઝ પ્રાંતના ફેથ એરપોર્ટ પર ઊતરતી વખતે વિમાન એક ઈમારત સાથે ટકરાઈ ગયું હતું. ફૂટેજમાં વન ક્ષેત્રમાં વિમાન સળગતું જોઈ શકાય છે.