મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિસ્તારમાં રાજ્યમાં પ્રથમવાર ટાઉન પ્લાનીંગના ઇતિહાસમાં ટીપી મંજૂરીની સદી ૨૦૧૮ના વર્ષમાં કર્યા બાદ એ જ ઝડપી વિકાસને વધુ આયોજીત અને વેગવંતો બનાવવાના ધ્યેય સાથે ૨૦૧૯ના વર્ષના પ્રારંભે જ અમદાવાદની વધુ ૦૫ ડ્રાફ્ટ ટીપી સાથે કુલ ૦૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. આ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થતા સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓના ઝડપી અમલીકરણ સાથેસાથ આંતરમાળખાકીય સુવિધામાં વૃધ્ધિ થશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગનો પણ હવાલો સંભાળે છે. તેમણે છેલ્લા ૧૨ મહિનામાં અમદાવાદ શહેરમાં ૪૩ ડ્રાફ્ટ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપતા અંદાજે ૩ હજારથી પણ વધુ હેકટર્સ વિસ્તારમાં આયોજનને આખરી ઓપ મળ્યો છે. ઉપરાંત મુખ્યમંત્રીએ રાજકોટ શહેરની વધુ એક પ્રારંભિક તથા એક ફાયનલ ટીપી પણ મંજૂર કરી છે.
મુખ્યમંત્રના સતત દેખરેખ અને સુચન નિર્દેશના કારણે ટીપી ૨૦ (નાના મવા) મંજૂર થતા, રાજકોટ શહેરની એકપણ ડ્રાફ્ટ કે પ્રીલીમીનરી ટીપી હવે સરકાર સમક્ષ મંજૂરી માટે બાકી નથી. વિજય રૂપાણીએ આમ છતાં ટીપીઓ-સીટીપી અને વિભાગને બાકી રહેતી ્ટીપી પણ તાત્કાલિક પૂર્ણ થાય અને શહેરના વિકાસમાં ટીપીનો વિલંબ બાધારૂપ ના બને તેવા દિશા નિર્દેશ આપ્યા છે.
મુખ્યમંત્રીએ એયુડીએની જે પાંચ ડ્રાફ્ટ ટીપી સ્કીમને મંજૂરી આપી છે તેમાં (૧)૪૫૪(હંસપુરા)(૨) ૫૦૫(કઠવાડા) (૩) ૨૪૩ (રણાસણ-મુઠીયા-ચિલોડા) (૪) ૪૧૬/છ (વસ્ત્રાલ) અને (૫) ૧૧૭ (કઠવાડા)નો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલ અમદાવાદની આ ૦૫ ડ્રાફ્ટ ટીપીને કારણે વધુ ૭૫૦ હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થઇ શકશે. અંદાજિત રૂ. ૧ હજાર કરોડના કામો પણ આ ૫ ટીપી સ્કીમમાં કરવાનો નિર્ધાર કરાયો છે.
આ ડ્રાફ્ટ મંજૂરીથી અમદાવાદ શહેરને ૧૧૫ હેકટર્સ જેટલી જમીન રસ્તાઓ માટે અને આશરે ૧૫૨.૪૮ હેકટર્સ જમીન અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ આર્થિક-સામાજીક વર્ગના લોકોના રહેણાંક અને વાણિજ્ય રહેણાંકના વેચાણ હેતુથી સંપ્રાપ્ત થવાની છે. ખાસ કરીને આ પાંચ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થવાથી આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે ૩૭૨,૬૧૫ ચો.મી. જમીન સંપ્રાપ્ત થતા, શહેરી વિસ્તારમાં સામાન્ય માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ થવામાં કદમ આગળ વધશે.
તેમણે આ બધી ડ્રાફ્ટ સ્કીમ ત્વરાએ ફાયનલ કરવા ટાઉન પ્લાનીંગ ઓફીસર્સને તાકિદ પણ કરી છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં વિપુલ માત્રામાં મંજૂર થયેલી ડ્રાફ્ટ ટીપીની સંખ્યા ધ્યાને લઇ ૦૬ નવા ટાઉન પ્લાનીંગ આોફીસર્સની નિમણૂક માટેના પણ આદેશો મુખ્યમંત્રીએ શહેરી વિકાસ વિભાગને આપેલ છે.