મતદાન દરમ્યાન જો વોટીંગને લઇને લોકોના મનમાં આશકાં જન્મે તો તેના નિવારણની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચની રહે છે. ચૂંટણી પંચે લોકોને વિશ્વસનીય અને ન્યાયી ચૂંટણીની ખાતરી આપવાની જવાબદારી નિભાવવી જ પડે એમ અત્રે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાજીવ શુકલાએ આજે અમદાવાદની મુલાકાત દરમ્યાન ઇવીએમ મુદ્દે સાફ વાત કરતાં જણાવ્યું હતું. ઇવીએમની ગડબડીની દહેશત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં શુકલાએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસ સિવાય સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી સહિતના અન્ય રાજકીય પક્ષોએ અગાઉ પણ આ દહેશત વ્યકત કરી હતી. તેથી મતદાન સમયે મતદારના મનમાં કોઇપણ શંકા રહેવી ના જોઇએ અને જો તે ઉદ્ભવે તો, તેના નિવારણની સંપૂર્ણ જવાબદારી ચૂંટણી પંચની રહે છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાજીવ શુકલાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાના મતદાનનો દિવસ છે અને જે પ્રકારે લોકોએ ઉત્સાહપૂર્વક મતદાનની શરૂઆત કરી છે, તે જોતાં લોકો ગુજરાતમાં આ વખતે પરિવર્તન ઇચ્છી રહ્યા છે. ગુજરાતના સાયલન્ટ વોટરોએ તેમની ભાવના આ વખતના મતદાનમાં પ્રગટ કરી છે. ભાજપના છેલ્લા ૨૨ વર્ષના કુશાસનથી ગુજરાતના લોકો મુકિત મેળવશે અને આ વખતે કોંગ્રેસની સરકાર બનશે. તેમણે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી આ વખતે પહેલીવાર એવું બન્યું છે કે જયારે વડાપ્રધાન પદ પર રહેલ વ્યકિત ગુજરાતના લોકોની કે વિકાસની વાત કર્યા સિવાય બીજીબધી અને મુદ્દાઓથી ભટકીને વાત કરી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પૂછેલા દસ સવાલોનો જવાબ આજદિન સુધી મોદીજી કે ભાજપે આપ્યા નથી. ગઇકાલે રાહુલ ગાંધીએ દસમા પ્રશ્નમાં મોદીને પૃચ્છા કરી હતી કે, શું કારણ છે કે, આ વખતે વડાપ્રધાનના ભાષણમાંથી વિકાસ ગુમ છે? વડાપ્રધાન મોદી દ્વારા ગઇકાલના ભાષણમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા અત્યારસુધીમાં તેમને કયા કયા નામથી ગાળો આપવામાં આવી તે મુદ્દે રાજીવ શુકલાએ સ્પષ્ટ કહ્યું હતું કે, મને લાગે છે કે, હવે વડાપ્રધાન મોદીનું ભાષણનું સ્તર ઘણું નીચે આવી ગયું છે. ભૂતકાળમાં ભાજપના અનેક નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે અનેક વિવાદીત ટિપ્પણીઓ કરી છે. રાહુલ ગાંધીએ તો તાજેતરમાં જ વિવાદીત ટિપ્પણી કરનાર મણિશંકર ઐય્યરને કોંગ્રેસમાંથી હકાલપટ્ટી કરીને અનુશાસનનું ઉદાહરણ પૂરું પાડયું છે, તો ભાજપ આ પ્રકારની દાખલારૂપ કાર્યવાહી કરી બતાવે. પાટીદારોને અનામત બંધારણીય રીતે આપી શકાય તેમ નથી તેવા ભાજપના અરૂણ જેટલીના આરોપોનું ખંડન કરતાં રાજીવ શુકલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ બંધારણીય મર્યાદામાં રહીને સૌને સાથે રાખીને અનામત મુદ્દે સુખદ ઉકેલ લાવશે. કોંગ્રેસ તેના ચૂંટણીઢંઢેરામાં કહેલી તમામ વાતો પાળી બતાવશે.