જીવ અને આત્મા વચ્ચે સંવાદનો સેતુ રચાય છે. તેમાંથી સંવેદના નીપજે છે. નીપજેલી સંવેદનાને લઈ જીવ શિવતત્ત્વને પામે છે. જેમાં શ્રદ્ધા અને વિશ્વાસ ઉમેરાતા સફળતાનું સામ્રાજ્ય સ્થપાય છે. આ માટે દિવસ-રાત નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા હકારાત્મક ઊર્જાનો સ્રોત શરીરના રોમેરોમમાં વહેવા લાગે છે. જેના કારણે વ્યક્તિનું મન પ્રફુલ્લિત બને છે. મનની રંજકતાનાં કારણે વ્યક્તિ જે કાર્ય કરે છે તેમાં હંમેશા સફળ પુરવાર થાય છે.સિદ્ધિના શિખર સુધી તે પહોંચી જાય છે અને એ રીતે તે સફળતાને પામે છે.
જેમના દિલમાં સંવેદના જાગતી નથી તેવા કઠોર હૃદયના વ્યક્તિઓ જીવનનો આનંદ ઉઠાવવામાં એક યા બીજી રીતે નિષ્ફળ બને છે. કારણ કે – મનની વ્યગ્રતાના કારણે જીવનમાં જે પ્રાપ્ત થતું હોય છે તેમાં પણ તેને સંતોષ થતો નથી. અન્યની સલાહ પોતાની કઠોરતાના કારણે તેને મળી શકતી નથી. દુનિયાના લોકો આવા લોકોથી હંમેશા દૂર રહેવાનું પસંદ કરે છે. તેથી વ્યક્તિની કઠોરતાનાં કારણે મળેલો માનવ અવતાર પણ ગુમાવે છે. એટલે કે માનવતાના અભાવે તે વાસ્તવિક માનવજીવન પામતો નથી. આજે માણસ સુખ અને સંપત્તિ માટે ઘાતકી કૃત્ય કરવા તૈયાર થઇ જાય છે. કારણ કે તેમના દિલમાં સંવેદનાનું શીતળ જળ સુકાયેલું છે. તેથી હૈયામાં આનંદની લીલોતરી વ્યાપ્તિ નથી. આપણે જાણીએ છીએ કે આજે માણસે વિજ્ઞાનક્ષેત્રે હરણફાળ ભરી અનેક અવનવી શોધો કરી છે. તેમ છતાં તેમની સામે અનેક સમસ્યાઓ ખડી થઇ છે. એક રોગની ઔષધિ શોધવામાં આવે ત્યાં નવા તેર રોગ ઊભા થતા જોવા મળે છે. તેને નાથવા કશું કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવે ત્યાં જ કોઈ નવા રોગ વિશે જાણકારી મળે છે. એટલે એવું કહી શકાય કે માણસ પગ વાળીને બેસી શકતો નથી. તેનું કારણ માણસની પ્રકૃતિ પ્રત્યેની કઠોરતા છે. માણસે માત્ર જીવસૃષ્ટિનો જ ભોગ લીધો નથી તેણે વનસ્પતિસૃષ્ટિનો પણ દાળોવાટો વાળી દીધો છે. કરોડો વૃક્ષોનુ નિકંદન કાઢયું છે અને કાઢી રહ્યો છે. પાણીને પણ પ્રદૂષિત બનાવી પીવાલાયક રહેવા દીધું નથી. એકાએક ઊંઘ ઊડતા આ બધાની શુદ્ધિ માટે અવનવા નુસખા કરવા લાગે છે. પણ કહેવાય છે ને કે એક વખત છૂટી ગયેલું તીર પરત ફરતું નથી, તેવી જ સ્થિતિ માણસના આ બધા કૃત્યો માટે બની છે, તેથી સફળતા માટે જીવનપર્યંત તે ભાગતો રહે છે. આપ સૌએ જોયું હશે – આકાશમાં ઊડતા પંખીઓ, જાનવરો, જીવજંતુ કે આના જેવા કોઈ પણ સજીવો માટે ઔષધિની ફેકટરી, દવાખાના કે મેડિકલ સ્ટોર ખોલવા પડ્યા નથી. તેઓ પોતાની જિંદગી તેમને જે મળી છે તે ખૂબ સરળતાથી, ઉત્સાહપૂર્વક જીવી રહ્યા છે. એકમેક વચ્ચે મારકાપની કોઈ સ્પર્ધા નથી. વળી ટોળામાં સાથે રહીને પણ પંખીઓ એક-એક અનાજનો દાણો શોધી આનંદપૂર્વક ઊડતા અને ગેલ કરતા જોવા મળે છે. જ્યારે માણસોનું તેનાથી જુદું છે. એકથી વધુ સંખ્યામાં માણસો ભેગા થાય છે ત્યાં દરેક જગ્યાએ ભેગા થતાં માણસોનાં ચાલતા વિચારોનું પૃથક્કરણ કરવામાં આવે તો કોઈની સાથે કોઈ વ્યક્તિ સંબંધ ન રાખે તેટલી હલકીકોટીમાં વિચારનારા લોકોનું વૈચારિક વલણ દૃષ્ટિપાત થાય. આ જ છે – રોગોનુ ખરું કારણ. જ્યારે વ્યક્તિ અન્યના કલ્યાણ માટે સારું વિચારી શકતો નથી કે સારું વિચારવા માંગતો નથી ત્યારે જ સૃષ્ટિસંગ્રામમાં ભંગાણ પડવાનું શરૂ થાય છે. જે રીતે ચેપી રોગોનો ચેપ એક તંદુરસ્ત વ્યક્તિને બીમાર બનાવે છે તેમ સ્વાર્થી માણસનો સ્વાર્થભર્યો વ્યવહાર સૌ કોઈને સ્વાર્થી બનવા પ્રેરે છે અને તેમાંથી જ કઠોરતાનો જન્મ થાય છે.અન્ય વ્યક્તિ પ્રત્યે ઘૃણા ઉદ્ભવે છે પરિણામે સંવેદનાનું નિર્મૂલન થાય છે અને જ્યાં સંવેદના નથી ત્યાં સફળતા પણ નથી.
સફળતા મોટી સંપત્તિ, જમીન કે પૈસા પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ. સફળતા તો છે ખરી માનવતામાં માનવતાભર્યો વ્યવહાર વ્યક્તિની સાચી ઓળખ આપે છે. અન્યના કલ્યાણ માટે કરેલો પરિશ્રમ પારસમણિ જેવી શક્તિ ધરાવે છે. માટે પ્રત્યેક વ્યક્તિએ અન્યના ઉત્થાન માટે, વિકાસ માટે કામ કરવા પોતાની જાતને તૈયાર કરવી જોઈએ. એનાથી વ્યક્તિ જીવનની ઊંચાઈઓ પામી શકે છે. તે દ્વારા વ્યક્તિ તંદુરસ્ત સુખની અનુભૂતિ કરે છે. જીવનમાં સંપત્તિ કે પૈસો સુખ આપી શકતા નથી. આત્મસંતોષ વ્યક્તિને સુખી બનાવે છે અને તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે – સંવેદનારૂપી વહેતી સરિતામાંથી. આ એક એવી સરિતા છે જેના પ્રત્યેક બુંદ શાંતિનો અનુભવ કરાવી શકે છે. તે અમૃતજળથી પણ મૂલ્યવાન છે. કલિકાલનું તે અમરત્વ છે. માટે સંવેદના વિહોણો માનવ પૂંછડા વગરના પશુ સમાન છે.
પૂર્વે જમનાદાસ નામના એક મોટા શેઠ હતા. તે ગામના લોકોને મુશ્કેલીના સમયે નાણાં ધીરતા. મુસીબતમાં ફસાયેલા વ્યક્તિ કોઈ પણ કારણસર ધીરેલાં નાણાં પરત કરી ન શકે તો તેમની પાસે તેઓ કદી પઠાણી ઉઘરાણી કરતા નહીં. ઊલટાનું તેનાથી વિરુદ્ધ મુસીબતમાં ફસાયેલા વ્યક્તિને તેમને જે રકમ ધીરી હોય તે રકમ ધિરાણ લેનારની આર્થિક મર્યાદાને ધ્યાને રાખી રકમ પરત કરી શકે તે મુજબ હપ્તેથી વસૂલાત કરવાનું રાખતા. જોકે કોઈ વાર બૂરી દાનતવાળા ધિરાણ લેનાર તેનો ગેરલાભ પણ લેતા. તેમ છતાં જમનાદાસ કદી પોતાના સિદ્ધાંતમાં ફેરફાર કરતા નહીં. આ જમનાદાસનો એકનો એક પુત્ર અભ્યાસ માટે લંડન ગયો હતો. લંડનથી શિક્ષણ પૂરું કરી પરત ફરેલા પુત્રને જમનાદાસના માનવતાભર્યા વ્યવહારના કારણે ઈશ્વરે ખૂબ જ મોટી કંપનીના ભાગીદાર એટલે કે મુખ્ય ડાયરેક્ટર બનવાની તક આપી. ધીરે-ધીરે જમનાદાસનો પુત્ર પૂરેપૂરી કંપનીનો માલિક બની ગયો. તેણે પણ પિતાની પરંપરાને આગળ લઈ જઈ પીડિતોને મદદ કરવાનું કાર્ય ચાલુ જ રાખ્યું. બીજી તરફ જમનાદાસની રકમ ઈરાદાપૂર્વક પરત નહીં કરનાર, ધિરાણ લેનાર પ્રત્યેક વ્યક્તિની હાલત દિવસે-દિવસે કફોડી થવા લાગી. ખોટી રીતે ધિરાણ મેળવી નાણા ફસાવનાર વ્યક્તિઓનાં પરિવાર પાયમાલ થઈ ગયા. આ વાતની પ્રખર સંતને ખબર પડતા ગામ લોકોને એકત્રિત કરી સૌને ઉદેશી તેમણે સંબોધન કરતા જણાવ્યું કે- “કોઈ પણ માણસ પોતાના વ્યવહારથી દાનવ પણ બની શકે છે અને દેવ પણ બની શકે છે. આપણા ગામમાં જમનાદાસ શેઠે તે પુરવાર કરી આપ્યું છે. તેમના માનવતાભર્યા સંવેદનશીલ વ્યવહારના કારણે તેમનો પુત્ર બહુ મોટી કંપનીનો આજે માલિક બન્યો છે. જ્યારે બીજી તરફ જમનાદાસના ખોટી રીતે નાણાં ફસાવનાર કેટલાય ઘરના લોકોનો પરિવાર સાવ પાયમાલ થયો છે. આ પાયમાલ થયેલા પ્રત્યેક પરિવારના વંશજોને મારી અપીલ છે કે – “તેઓ માનવતાના કાર્યમાં લાગી જાય.” સંતશ્રીના કહેવા મુજબ ગામલોકોએ પોતાનો વ્યવહાર, વર્તણૂક સુધારી. શેઠ જમનાદાસના જેમણે નાણા ફસાવ્યા હતા તેમણે ધીરે-ધીરે પરત કરવાની શરૂઆત કરી અને ગામના લોકોની ખુશીનો પાર ન રહ્યો. ગામમાં સર્વત્ર સુખ અને શાંતિનો અનુભવ થવા લાગ્યો. સંવેદનશીલતા જેમ જેમ લોકોનાં મનમાં વ્યાપવા લાગી તેમ તેમ માનવતાની મહેક આજુબાજુના વિસ્તારોમાં પણ મહેકવા લાગી. આ જ છે ખરી સંવેદનાની સરિતા. જે સમગ્ર જગતમાં વહેતી રહે-એ જ છે પરમકૃપાળુને પ્રાર્થના.
જીવનમાં ખરી સફળતા આપે છે સંવેદના,
સફળ તે જ બને છે જે જાણી શકે અન્યની વેદના.
કાશ, ભલે તે કેહવાય પાગલ,
કારણ તે કરે નહિ હિસાબ-કિતાબ સ્થૂળ સંપત્તિનો;
પ્રાર્થું પ્રભુ, જગત કલ્યાણ કાજે,
વર્ષે વાદળી થઇ ચોમેર સંવેદના.