ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર જૈસન ગિલેસ્પીએ કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોની સારી રીતે જાણે છે કે મેચમાં સ્થિતિને અનુરૂપ કેમ રમવાનું છે. આજ કારણ છે કે તે ભારત માટે હજુ પણ ઉપયોગી છે. ધોનીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ બે વનડે મેચોમાં અડધી સદી ફટકારી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ સિરીઝ ૧-૧થી બરોબરી પર છે.
ગિલેસ્પીએ કહ્યું, ભારતને ધોનીના મેચ ફિનિશર હોવાનો ફાયદો એક દાયકા કરતા વધુ સમયથી મળી રહ્યો છે. તે હજુ પણ તેનો લાભ મેળવી રહ્યું છે. તે જ્યારે સિડનીમાં ખરાબ સ્થિતિમાં હતા, ત્યારે પણ તેનો ફાયદો મળ્યો હતો. સિડનીમાં તેની ઈનિંગ ધીમી હતી પરંતુ સમજવું જોઈએ કેમ. તે સ્થિતિને અનુરૂપ બેટિંગ કરી રહ્યો હતો.
તેણે કહ્યું, નિચેના ક્રમ પર ઉતરીને સ્થિતિને અનુરૂપ રમવું મુશ્કેલ હોય છે. એડિલેડમાં સ્થિતિ જુદી હતી અને તેણે અલગ અંદાજમાં બેટિંગ કરી હતી. તે ૩૦૦થી વધુ વનડે રમી ચુક્યો છે અને તેને ખ્યાલ છે કે જુદી-જુદી સ્થિતિમાં કેમ રમવાનું છે.
ગિલેસ્પીએ વિરાટ કોહલીની સદીને શાનદાર ગણાવતા કહ્યું, કોહલીની આ શાનદાર ઈનિંગ હતી. કોહલી દમદાર ખેલાડી છે અને તે અલગ પ્રકારનો બેટ્સમેન છે. તેના આંકડા તેના પૂરાવા આપે છે. વનડે ક્રિકેટમાં તેંડુલકરથી ૫૦ ઓછી ઈનિંગમાં ૩૯ સદી અને ૧૦૦૦૦થી વધુ રન. તેણે કહ્યું, આપણે બધાને ખ્યાલ છે કે, સચિન તેંડુલકર કેટલો શાનદાર ક્રિકેટર હતો. કોહલી આ સમયે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે.