કલોલમાં રહેતા યુવાનને અગાઉ થયેલ માથાકૂટની અદાવતમાં બે ભાઈઓએ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા દોડી આવેલી પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આ અંગે પોલીસ સુત્રોથી પ્રાપ્ત વિગતો અનુસાર કલોલના રેલ્વે પૂર્વ બળીયાદેવ મંદિરની ચાલીમાં રહેતા વિજયજી બચુજી ઠાકોર ડ્રાઇવિંગનો વ્યવસાય કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. આ યુવાનને ગત દેવ દિવાળીએ યોજાયેલ ગરબાના આયોજનમાં હિસાબ પેટે આયોજક મુકેશ હરીભાઇ વાણીયા સાથે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી ઉતરાયણ પર્વના દિવસે મુકેશ વાણીયા તેમજ તેનો ભાઈ મનોજ વાણીયા બંન્નેએ અગાઉની અદાવતમાં મિત્રો સાથે પતંગ ચગાવતા વિજય સાથે બોલાચાલી કરી હતી. ઉશ્કેરાઈ ગયેલા બન્ને શખ્સોએ તેના પર હુમલો કરી દીધો હતો. જેમાં મનોજે વિજયજીના છાતીમાં છરી મારી દેતા લોહીની ધારા વહેવા લાગી હતી. બનાવની જાણ થતા દોડી આવેલ વિજયજીના પરિવાર જનોએ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
બનાવની જાણ થતા કલોલના ધારાસભ્ય સહિત ઠાકોર સમાજના યુવાનો સિવિલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે પણ ઘટનાની ગંભીરતાના પગલે તાત્કાલિક આ અંગે ગુનો નોંધીને બંને ભાઈઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.