માણસાના સ્વામિ. મંદિરની મૂર્તિઓ ખસેડાતાં હરિભક્તોમાં દુઃખની લાગણી

638

કાલુપુર સ્વામિનારાયણના તાબા હેઠળના માણસાના સ્વામિનારાયણ મંદિરમાંથી રાતોરાત મૂર્તિઓ ખસેડાતાં હરિભક્તોમાં દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. માણસાની સ્વામિનારાયણ શેરીમાં આવેલા અંગ્રેજોના સમયમાં આશરે ૧૪૮ વર્ષ પહેલાં બનેલા સ્વામિનારાયણ મંદિરના સ્થાને હવે હાઈ-વે પર નવું મંદિર બની રહ્યું છે.

નવી જગ્યા લઈ બનાવવામાં આવેલા મંદિરમાં નવીન મૂર્તિઓ લાવવાની જગ્યાએ રાતોરાત જૂના મંદિરમાં વર્ષોથી સ્થાપિત કરાયેલી મૂર્તિઓને અગમ્ય કારણોસર લઈ જવાતાં હરિભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે

થોડા સમય અગાઉ સંસ્થા દ્વારા ગાંધીનગર હાઈ-વે પર નર્સરીથી અંદરના રોડે નવું મંદિર બનાવવા માટે જમીન ખરીદવામાં આવી હતી અને હાલ આ મંદિરનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તે સમયે સ્થાનિક હરિભક્તોએ આ મંદિર વર્ષો પુરાણો અને ભક્તોની આસ્થાનું કેન્દ્ર અન્ય જગ્યાએ મંદિર ન બનાવાય તેવી લાગણી વ્યક્ત કરી હતી અને તે સમયે અહીંથી કેટલાક હરિભક્તો ગાદીપતિને મળવા અમદાવાદ ગયા હતા અને આ બાબતે વાત કરી ત્યારે તેઓએ હરિભક્તોની આસ્થાને માન આપવાનું આશ્વાસન આપ્યું હતું.

જોકે, ૩ દિવસ અગાઉ એટલે કે ૧૩ જાન્યુઆરીએ રાત્રે ૧૧ વાગ્યે અમદાવાદ કાલુપુર મંદિરથી આવેલા ૧૫ જેટલા લોકોએ હરિભક્તો કંઈ સમજે તે પહેલાં સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ, હરિકૃષ્ણ મહારાજ, ગણપતિજી, સૂર્યનારાયણ ભગવાન, માતા પાર્વતીની સાથે શિવલિંગ સહિતની સ્થાપિત મૂર્તિઓને કોઈ પણ જાતનાં વિધિ-વિધાન વગર જાણે તોડી પાડવાનું હોય તે મુજબ ઉખાડીને લઈ જતાં હાજર હરિભક્તોની લાગણીને ઠેસ પહોંચી હતી.

ધનુર્માસ ચાલતો હોવાની સાથે-સાથે રાત્રે બનેલી આ ઘટનાથી અજાણ હરિભક્તો જ્યારે સવારે મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા ત્યારે તેમણે આઘાત અનુભવ્યો હતો, જેમાં બે હરિભક્તને લાગી આવતાં ઢળી પડ્‌યા હતા અને તેઓને ૧૦૮ દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા.

Previous articleબીબીએ કોલેજ દ્વારા વુમન સેફટી વિષય પર કાનુની માર્ગદર્શન વર્કશોપ યોજાયો
Next articleદારૂની હેરાફેરીનો બુટલેગરનો નવતર પ્રયોગ, પોલીસ પણ અસમંજસમાં