શીખ રમખાણોના આરોપી જગદીશ ટાઇટલરને શિલા દિક્ષીતને દિલ્હી કોંગ્રેસ પ્રમુખ પદ સંભાળવા સાથે સંબંધિત કાર્યક્રમમાં ઉપસ્થિત દેખાતા હોબાળો થઇ ગયો છે. ૧૯૮૪માં ભીષણ શીખ વિરોધી રમખાણોના આરોપી તરીકે ટાઇટલર રહેલા છે. આ મામલામાં કોર્ટે પૂર્વ કોંગ્રેસી સાંસદ સજ્જનકુમારને આજીવન કારાવાસની સજા ફટકારી છે. ટાઇટલર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ હોબાળો થઇ ગયો છે. જો કે, ટાઇટલરે પોતાની હાજરીને લઇને પ્રશ્નો ઉઠાવનાર લોકોને ખોેટા ગણાવ્યા છે. સજ્જનકુમારને દોષિત ઠેરવવામાં આવ્યા બાદ રમખાણ પીડિતો અને અકાળી નેતા હરસિમરત કૌરે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ કોર્ટ વતી ટાઇટલરને પણ સજા ફટકારાશે.
હાલમાં જ ટાઇટલર મોટા મંચથી ગાયબ રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં હવે તેમની સ્થિતિ કોઇ વધારે મજબૂત રહી નથી. હરસિમરત કૌરે ટાઇટલરની ઉપસ્થિતિ પર રાહુલ ગાંધીની ઇચ્છાશક્તિ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધી એજ કામ કરી રહ્યા છે જે તેમના પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું. રાહુલે દર્શાવી દીધુ છે કે, શીખોની ભાવના માટે તેમના મનમાં કોઇ સન્માન નથી. પોતાની સ્પષ્ટતામાં ટાઇટલરે કહ્યું છે કે, તેમના ઉપર કોઇ કાર્યવાહી થશે કે કેમ કહી શકાય નહીં. તેમની સામે કોઇ પુરાવા હાથ લાગ્યા નથી. તેમને આરોપી કહેવામાં આવે તેવા કોઇપણ પુરાવા નથી. પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ શીખોની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ રમખાણોમાં કેટલાક મોટા કોંગ્રેસી નેતાઓના નામ સપાટી ઉપર આવ્યા હતા પરંતુ હજુ સુધી સજા માત્ર સજ્જન કુમારને મળી છે. ટાઇટલર લાંબા સમયથી કોંગ્રેસથી અલગ રહે છે અને કોઇ મોટા કાર્યક્રમમાં નજરે પડ્યા નથી. શીખ વિરોધી રમખાણના આરોપી ટાઇટલર મુદ્દો હોબાળો થયો છે.