લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ-કોંગ્રેસે પણ મૂરતિયાઓની શોધખોળ આદરી છે. કોંગ્રેસમાં દસેક ધારાસભ્યોએ સાંસદ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ તરફ,ભાજપમાં કેટલાંક ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડવાના મૂડમાં છે. જો આ ધારાસભ્યો સાંસદ બનવાની રાજકીય ઇચ્છા સાથે રાજીનામા ધરે તો,લોકસભાની ચૂંટણીઓ બાદ ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી પાંચથી વધુ બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે તેવી સંભાવના છે. ગુજરાત કોંગ્રેસમાં વર્તમાન ધારાસભ્ય જેવા કે, સુરેન્દ્રનગરની બેઠક પરથી ધારાસભ્ય સોમા ગાંડાભાઇ પટેલ,બનાસકાંઠાની બઠક પર ધારાસભ્ય ગેનીબેન ઠાકોર,પાટણની બેઠક પર અલ્પેશ ઠાકોર,વલસાડની આનંદ ચૌધરી, અમરેલીની બેઠક પર ધારાસભ્ય વિરજી ઠુમર,જામનગરમાં ધારાસભ્ય વિક્રમ માડમ ચૂંટણી લડવા માંગે છે. ભાજપમાંથી ઘણાં ધારાસભ્યો સાંસદ બનવા ઇચ્છુક છે પણ પક્ષની શિસ્તતાને લીધે બધુય છાપુછાનુ ચાલી રહ્યુ છે. જાહેરમાં ભલે ન બોલે પણ અંદરખાને ભાજપના નેતાઓએ ય ટિકીટ માટે લોબિંગ શરુ કર્યું છે.આ જોતાં ધારાસભ્યો સાંસદ બનવા મેદાને પડયાં છે. શંકર ચૌધરી પણ લોકસભાની ચૂંટણી લડવા ઇચ્છુક છે.
હવે જો ભાજપ-કોંગ્રેસ ધારાસભ્યોને ટીકીટ આપે તો,લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં ઓછામાં ઓછી પાંચેક બેઠકો પર પેટાચૂંટણી યોજાઇ શકે તેમ છે. જો ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પેટાચૂંટણી યોજાશે તો, કરોડો રૂપિયાનો ધૂમાડો થશે.