છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત રહેતા રાજ્યકક્ષાના મત્સ્યઉદ્યોગ મંત્રી અને કોળી નેતા પરસોત્તમ સોલંકીની તબિયત વધુ બગડી છે. જેને પગલે તેમને વધુ સારવાર અર્થે સિંગાપોર લઈ જવાયા છે. સોલંકીને કિડની સંબંધિત બીમારી હોવાનું કહેવાય છે. જો કે આ અંગે સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જો કે, ભાજપના વર્તુળમાં સોલંકીની તબિયતને લઇ થોડી ચિંતા સહજ જણાતી હતી અને સૌકોઇએ તેમના સ્વજનોને ખબરઅંતર પૂછયા હતા. ગત ડિસેમ્બરમાં ગુજરાત હાઈકોર્ટે ૪૦૦ કરોડ રૂપિયાના ફિશરીઝ કૌભાંડ બાબતે ગાંધીનગરની કોર્ટે ઇશ્યુ કરેલી ક્રિમિનલ પ્રોસેસને રદ કરવા ઇન્કાર કર્યો હતો. ફિશરીઝ કૌભાંડની તપાસ કરી રહેલી એસીબીએ સોલંકીને મુખ્ય સૂત્રધાર દર્શાવ્યા છે. ફિશરીઝ કૌભાંડ અંગે વાત કરીએ તો માછીમારોને અપાતો પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ ૨૦૦૮માં પૂરો થયો. જેથી ૨૦૦૯માં હરાજી કરી આ કોન્ટ્રક્ટ પુનઃ આપવાના હતા. પરંતુ પરસોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઈઝથી પહેલા ૧૨ લોકોને અને પછી ૩૮ લોકોને કોન્ટ્રક્ટ આપી દીધા હોવાનો આક્ષેપ થયો હતો. હરાજી વિના કોન્ટ્રક્ટ આપવા કેબિનેટની મંજૂરી લેવાની હોવાછતાં સોલંકીએ મંજૂરી મેળવી ન હતી. છેલ્લી પાંચ ટર્મથી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવતા પરસોત્તમ ઓધવજી સોલંકી ઇલેક્ટ્રિકલ એન્જીનિયર છે તેમજ કોળી સમાજ પર પણ બહુ સારુ એવું પ્રભુત્વ ધરાવે છે. છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહેતી હતી. અગાઉ પણ વિધાનસભા સત્ર વખતે તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. જો કે, ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો જણાયો હતો. પરંતુ ફરી એકવાર તેમની તબિયત નાદુરસ્ત વધુ થતાં આખરે અસરકારક સારવાર માટે તેઓને સીંગાપોર લઇ જવાયા હતા.