ગારિયાધાર શહેરમાં મકરસંક્રાંતિના દિવસે સમસ્ત કોળી સમાજ દ્વારા વિરમાંધાતાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જે સંદર્ભે અત્રેના મીઠા કુવા પાસે કોળી સમાજની વાડીમાં કોળી સમાજ આગેવાનો, રાજકીય તમામ પક્ષોના આગેવાનો તથા નગરજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને શોભાવેલ, ત્યાર બાદ દીપ પ્રાગટય કરીને આગેવાનો દ્વારા સમાજને વ્યસન મુક્તિ તથા શિક્ષણનો માર્ગ અપનાવવા હાંકલ કરાયેલ.
આમ વકતાગણના આહ્વાનોના કાર્યક્રમો બાદ વિશાળ શોભાયાત્રા અત્રેના મીઠા કવાથી નિકળી શહેરના રાજમાર્ગો પર ફરેલ જેમાં બાઈક રેલી, ટ્રકો, ટ્રેકટરો તથા ઘોડાઓ સહિત વિશાળ સંખ્યામાં કોળી સમાજના લોકો તથા સાથો સાથ અન્ય સમાજના લોકો પણ જોડાયા હતાં. જયારે શોભાયાત્રાના રૂટ પર ભૈરવનાથ ચોક પર હુસેની યુવક કમિટિ દ્વારા ઠંડા પાણીના પાઉચનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી વિરમાંધાતાને ફુલહાર ચડાવીને કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડેલ, ત્યાર બાદ શોભાયાત્રા શહેરના રાજમાર્ગ્ પર વાજતે-ગાજતે ફરી મીઠા કુવા ખાતે સમાપન થયેલ.