આજે તા.૧૬ જાન્યુઆરીના રોજ તળાજા તાલુકાના મણાર ગામે આવેલ ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા ખાતેથી ગાંધીમુલ્યોના માર્ગે પદયાત્રાને રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગાંધી બાપુની વિચારધારાને ઉજાગર કરવાના હેતુથી કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ મણાર થી પદયાત્રા શરૂ કરી છે આ પદયાત્રા ૧૫૦ કિ.મીનુ અંતર કાપી શિહોર તાલુકાના સણોસરા ખાતે પહોચશે અને ત્યા આ કાર્યક્રમની પૂર્ણાહુતી થશે. આ કામ સામજીક કામ છે સામાજીક સમસ્યાનો જવાબ ગાંધી વિચારધારામાં છે તેમ કહી મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, ગાંધી બાપુએ જે વિચારો આપ્યા હતા તે હેતુસર આ યાત્રા યોજી અને મંત્રી મનસુખભાઇ માંડવિયાએ ક્રાતિકારી કામ કર્યુ છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે, આ પદયાત્રામાં મારી સાથે ૧૦૧ લોકો ચાલી રહ્યા છે પરંતુ આ પદયાત્રામાં જોડાવા માટે દેશના ૧૧,૦૦૦ યુવાનોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમ કહી તેમણે ઉમેર્યુ હતું કે, દેશના લોકો સમૃધ્ધ બની રહ્યા છે તેની સાથે સાથે સંસ્કારી સમાજ નિમાર્ણ કરવો એ પાયાનું કામ છે આ પદયાત્રાના માધ્યમથી આ પાયાનું કામ થઇ શકશે મે આ પદયાત્રા નિહાળવા માટે દેશના ૧૦૦ ઉદ્યોગપતિને બોલાવ્યા છે તે લોકો બુનિયાદી શિક્ષણને સમજે તે ખુબ જ જરૂરી છે.
આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય ભારતીબેન શિયાળ, અલંગ વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેન ગિરીશભાઇ શાહ, ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, મણાર સંસ્થાના ર્ડા. અરૂણભાઇ દવે, જિલ્લા પંચાયતના સભ્ય ગૌતમભાઇ ચૌહાણ, મેયર મનહરભાઇ મોરી, નાયબ મેયર અશોકભાઇ બારૈયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, દિગ્વીજયસિંહ ગોહિલ, દિલિપભાઇ શેટા, મણારના સરપંચ ધનશ્યામસિંહજી, જિલ્લા પોલીસવડા પ્રવિણ માલ, સુરતના અગ્રણી જગદીશભાઇ પટેલ, નિતિનભાઇ ભજીયાવાળા સહિત ઉપસ્થિત રહ્યા હતા.