ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝ દરમિયાન વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાથી વધારે ચર્ચા ઋષભ પંતની છે. ઉત્તરાખંડનો આ ખેલાડી હાલમાં પોતાની ‘લેડી લક’ સાથે રજાઓ ગાળી રહ્યો છે. ઋષભે સોશિયલ મીડિયામાં એક તસવીર શેયર કરીને ‘લેડી લક’ને પોતાની ખુશીનું સૌથી મોટું કારણ ગણાવી છે. ૨૧ વર્ષા ઋષભ પંતને બીસીસીઆઇએ આરામ આપ્યો છે.
વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મેદાન પર એની બહાર પણ બહુ ચર્ચામાં ર્હયો છે. તેણે ટેસ્ટ સિરીઝમાં ૩૫૦ રન બનાવ્યા અને સિરીઝમાં બીજા નંબરનો સૌથી સફળ બેટ્સમેન સાબિત થયો. ટેસ્ટ સિરીઝ પછી ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ રમાઈ રહી હતી પણ પંતને સ્વદેશ મોકલી દેવામાં આવ્યો હતો. કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે પંત ટીમ ઇન્ડિયાના પ્લાનનો હિસ્સો છે. તે છેલ્લા કેટલાક દિવસોથી બહુ ક્રિકેટ રમ્યો છે અને આ માટે તેને આરામ આપવામાં આવ્યો છે.
ઋષભ પંત પોતાના વેકેશન દરમિયાન સોશિયલ મીડિયામાં સક્રિય રહ્યો છે. થોડા દિવસ પહેલાં તેણે પોતાની માતા સાથેની તસવીર પોસ્ટ કરી હતી. તેણે ૧૬ જાન્યુઆરીએ એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે જેમાં તેની સાથે ઇશા નેગી છે. ઋષભે લખ્યું છે કે હું તને ખુશ જોવા ઇચ્છું છું કારણ કે મારી ખુશીનું સાચું કારણ તું છે.
ઇશા નેગીએ પણ પોતાની તસવીર પોતાના એકાઉન્ટ પર શેયર કરી છે. તેણે લખ્યું છે કે, ‘ઋષભ પંત, મારો સાથી, મારો હમસફર, મારો બેસ્ટ ફ્રેન્ડ અને મારી જિંદગીનો પ્રેમ.’ ઇશા નેગી એન્ટરપ્રેન્યોર તેમજ ઇન્ટિરીયર ડેકોર ડિઝાઇનર છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇશા હાલમાં લિટરેચરનો અભ્યાસ કરી રહી છે.