પાટણ માર્કેટયાર્ડમાં દોઢ વર્ષ બાદ ફરીથી ખેતિવાડી ઉત્પન્ન બજાર સમિતીએ ઇ-નામ પ્રોજેકટના માધ્યમથી ખેત પેદાશોની ખરીદી કરવા માટે પ્રયત્નો શરૂ કરતા વેપારીઓ લાલઘૂમ થઇ સરકારમાં પ્રોજેકટ સ્થગિત રાખવા રજુઆત કરતાં બીજી વખતનાં તંત્રના પ્રયાસને સફળતા મળશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.
દોઢ વર્ષ પહેલા પાટણ માર્કેટયાર્ડમાં ઇનામ પ્રોજેકટ સ્થાપીને તેના માધ્યમથી દિવેલાની ખરીદી કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. કેટલાક વેપારીઓને તાલીમ પણ આપી હતી. પરંતુ તેમાં તંત્રને ખાસ કોઇ સફળતા મળી ન હોવાથી આખો પ્રોજેક્ટ સુષુપ્ત અવસ્થામાં આવ્યો હતો.
પરંતુ આ પ્રોજેકટને ધમધમતો કરવા માટે સરકારનું દબાણ આવતા હવે યાર્ડમાં આવતી તમામ ખેતપેદાશોનું ઇ-નામ પ્રોજેકટથી ખરીદી- વેચાણ શરૂ કરવા માટેના પ્રયાસો શરૂ થયા છે. જેમાં વેચાણ માટે આવતા ખેડુતોની મુખ્યગેટ પર એન્ટ્રી કરવામાં આવી રહી છે.
વેપારીઓના મોબાઇલ ફોનમાં ખરીદ- વેચાણ કરવા માટે ઇ-નામ એપ્સ ડાઉનલોડ કરાઇ રહ્યું છે. હાલમાં ૨૦ જેટલા વેપારીઓમાં ફોનમાં એપ્સ ડાઉનલોડ કરી છે. વેપારીઓની પેઢીના નેશનલ બેન્કના એકાઉન્ટનું રજીસ્ટેશન પણ શરૂ કર્યુ છે.આખા માર્કેટયાર્ડમાં વાઇ-ફાઇ ઝોન બનાવવા માટે બીએસએનએલ એ સર્વે કર્યો છે તેવું સેક્રેટરી ઉમેદભાઇ ચૌધરીએ જણાવ્યુ હતું.