મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઇઝરાયેલના બિઝનેસ ડેલિગેશન સાથે વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯ની પૂર્વસંધ્યાએ યોજેલી બેઠકમાં જણાવ્યું હતું કે, ઇઝરાયેલ દેશ પાસેથી ઘણું બધું શીખવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ઈઝરાયેલની મુલાકાત લીધી હતી તે ક્ષણને યાદ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય કૃષિ, જળ વ્યવસ્થાપન, સિક્યુરિટી અને ઇનોવેશન ક્ષેત્રે ઇઝરાયલના સહયોગથી વિકાસની નવી ઊંચાઈ પ્રાપ્ત કરશે.
મુખ્યમંત્રી રૂપાણીએ ઇનોવેશન ક્ષેત્રે ઇઝરાયેલના પ્રદાનની નોંધ લઇ ગુજરાતમાં પણ ઇઝરાયેલની કંપનીઓ ઇનોવેશન ક્ષેત્રે જોડાય તેવો અનુરોધ પણ કર્યો હતો. તેમણે ગુજરાતના આઈ-ક્રિએટ સાથે ઇઝરાયેલ કંપનીઓ ઇનોવેશનના માધ્યમથી જોડાવા આમંત્રણ પાઠવી ઉમેર્યું હતું કે, આવા પારસ્પરિક સહયોગથી યુવાનોને નવા સંશોધનો માટે તક મળશે. ઇઝરાયેલના એમ્બેસેડર ડો. રોન માલ્કાના નેતૃત્વમાં આવેલા પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે ગુજરાતમાં મૂડીરોકાણની વિશાળ તકો સંદર્ભે વિચાર-વિમર્શ કર્યો હતો અને ઇઝરાયેલ કંપનીઓ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણ માટે ઉત્સુક હોવાનું પણ જણાવ્યું હતું.
આ પ્રતિનિધિ મંડળમાં એમ્બેસી ઓફ ઇઝરાયેલના ડેપ્યુટી ચીફ ઓફ મિશન માયા કાદોશ તેમજ કોન્સ્યુલ જનરલ યાકોવ ફિન્કેલ્સ્ટેઇન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ સૌનું ગુજરાતની ધરતી પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.