બ્રિટનની સંસદે બ્રિક્સિટ ડીલને નકારી દીધા બાદ વડાપ્રધાન થેરેસા મે સામે અવિશ્વાસ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, બુધવારે સંસદમાં થયેલા વોટિંગમાં થેરેસા મે સામે અવિશ્વાસ પ્રસ્તાવ ચાલ્યો ન હતો. આ માટે થયેલા વોટિંગમાં ૩૨૫ સાંસદોએ થેરેસા મે સરકારના સમર્થનમાં વોટિંગ કર્યું હતું, જ્યારે ૩૦૬ સાંસદોએ તેમની વિરુદ્ધ એટલે કે અવિશ્વાસના મતના સમર્થનમાં મતદાન કર્યું હતું.
બ્રિક્સિટ ડીલને બ્રિટનની સંસદે નકારી દીધાની થોડી જ મિનિટોમાં વિપક્ષ લેબર પાર્ટીના નેતા જેરમી કોર્બિને જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે. કોર્બિને સંસદમાં થેરેસા મેની હારને વિનાશકારી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ હાર બ્રિટન માટે અંધારામાં આંધળી છલાંગ લગાવવા સમાન સાબિત થશે. નોંધનીય છે કે બ્રિટન ૧૯૭૩માં ૨૮ સભ્યો ધરાવતા યુરોપિયન યુનિયનનું સભ્ય બન્યું હતું. ૨૯મી માર્ચના રોજ બ્રિટન ઈયૂ સાથે અલગ થવાનું હતું. ઈયૂથી અલગ થવાને માત્રે બે મહિના બચ્યા છે, પરંતુ બ્રિટન હજી સુધી એ નક્કી નથી કરી શક્યું કે તેણે શું કરવું છે.
બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેનો બ્રેક્સિટને પાસ કરાવવાનો અંતિમ પ્રયાસ પણ અસફળ રહ્યો છે. બ્રિટનમાં લોકતંત્રની શરૂઆત થયા બાદ કોઈ પણ વડાપ્રધાનને મળેલી હારમાં આ સૌથી મોટી હાર છે. બ્રિટનના સાંસદોએ ૨૩૦ની બહુમતિથી થેરેસા મેની બ્રેક્સિટ ડીલને નકારી દીધી હતી. થેરેસાના સમર્થનમાં ૨૦૨ સાંસદોએ વોટિંગ કર્યું હતું, જ્યારે તેના વિરોધમાં ૪૩૨ સાંસદોએ વોટિંગ કર્યું હતું. ત્યાં સુધી કે આ મતદાનમાં થેરેસા મેની કન્ઝર્વેટિવ પાર્ટીના ૧૧૮ સાંસદોએ વિપક્ષ સાથે મળીને ડીલની વિરોધમાં વોટિંગ કર્યું હતું. જોકે, સામે એ વાત પણ સાચી છે કે વિપક્ષી લેબર પાર્ટીના ત્રણ સાંસદોએ ડીલનું સમર્થન કરીને તેની તરફેણમાં મતદાન કર્યું હતું.
અલગ અલગ પાર્ટીના સાંસદોએ અલગ અલગ કારણને લઈને આ કરારનો વિરોધ કર્યો હતો. જોકે, થેરેસા મેએ આ અંગે સાંસદોને ફરીથી વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો.