જમ્મુ-કાશ્મીરમાં સેનાના સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના સહાયક કમાન્ડર વિનય પ્રસાદની શહીદીનો બદલો ૫ પાકિસ્તાની સૈનિકોને મોતના ઘાટ ઉતારીને લીધો છે. ગુરુવારે ઉત્તરી સેનાના કમાન્ડરે કહ્યું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ફાયરિંગના મૂંહતોડ જવાબમાં ભારતે પાંચ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે.
તમને જણાવી દઇએ કે, પાકિસ્તાને ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં સરહદ પારથી ગોળીબાર શરૂ કર્યો હતો. તે દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈનાની ચોંકીઓને નિશાને બનાવી હતી. પાક દ્વારા કરવામાં આવેલી ગોળીબારીના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જો કે, ભારતીય જવાનોએ પાકિસ્તાની સૈનિકોને મુંહતોડ જવાબ આપ્યો અને તેમના ૫ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.ગુરુવારે સવારે પાકિસ્તાની જવાનોએ નાના અને સ્વચાલિત હથિયારોનો ઉપયોગ કરી ખારી કરમારા વિસ્તારમાં ભારતીય ચોંકીઓને નિશાન બનાવી હતી. સૂત્રોએ કહ્યું, અમારા જવાનોએ અકારણ કરવામાં આવેલા સંઘર્ષ વિરામ ઉલ્લંઘનનો પ્રભાવી અને મુંહતોડ જવાબ આપ્યો હતો.
ગોળીબાર સવારે લગભગ ૪.૩૦ વાગે શરૂ થયો અને આ સવારે ૬.૩૦ વાગ્યા સુધી ચાલ્યો હતો. અમારા તરફથી કોઇ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી. સાથે ઉત્તરી સેનાના કમાંડરે પુંછમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, પાકિસ્તાની ગોળીબારના જવાબમાં ભારતીય સેનાના જવાનોએ તેમના ૫ સૈનિકોને ઠાર માર્યા છે.
ભારતની આ કાર્યવાહીને બીએસએફના સહાયક કમાન્ડર વિનય પ્રસાદની શહીદીનો બદલો માનવામાં આવી રહ્યો છે. ગત મંગળવારે ઘાટીના સાંબા સેક્ટરમાં થયેલી ગોળીબારીમાં બીએસએફના સહાયક કમાન્ડર વિનય પ્રસાદ શહીદ થઇ ગયા હતા. ગુરુવારે તેમના શરીરને હાવડા તેમના નિવાસ સ્થાન પર લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ પોતાના દેશના લાલના દર્શન કરવા માટે તેમના નિવાસ સ્થાને ભેગા થયા હતા.
બીએસએફ અધિકારીએ જણાવ્યું, આંતરરાષ્ટ્રીય સરહદ પર સહાયક કમાન્ડર વિનય પ્રસાદ અને તેમનું દળ ૧૦.૫૦ મિનિટે પેટ્રોલિંગ કરી રહ્યું હતું, ત્યારે તેમને ગોળી વાગી હતી. પાકિસ્તાની સ્નાઇપરોએ ગોળીબાર કર્યો, જેમાં અધિકારી ગંભીર રૂપથી ઘાયલ થયા હતા. ત્યારબાદ પ્રસાદને જમ્મુની એક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. પાક દ્વારા કરવામાં આવેલી નાપાક હરકત પછી ભારતીય સેનાએ મુંહતોડ કાર્યવાહી શરૂ કરી હતી.