ગઈકાલે મણાર ગામેથી શરૂ થયેલી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પ્રેરિત ગાંધી મુલ્યોના માર્ગે પદયાત્રા આજે દિહોર ગામે આવી પહોંચી હતી. જ્યાં ત્રીજી મહાવ્રત સભામાં પૂ.મોરારિબાપુએ પોતાના સંબોધનમાં સર્વધર્મ કોઈને કટ્ટરતા નથી શીખવાડતો અને કોઈને બંધમાં નથી બાંધતો તેમ જણાવેલ.
સવારે ૦૭ વાગ્યે બેલા સંસ્થાથી બીજા દિવસની પદયાત્રાનો પ્રારંભ થયો. ગાંધીમૂલ્યોનાં માર્ગે ચાલનારી આ પદયાત્રા સૌરાષ્ટ્રની ધરતી પર ગાંધી વિચારોને વાગોળતી બુનિયાદી આદર્શોના ભેખધારીઓ સમઢિયાળા ગામે પહોંચ્યા ત્યારે ગામની દીકરીઓએ વિશાળ સંખ્યામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પદયાત્રીઓનું હર્ષોલ્લાસ સાથે સામૈયું કર્યું. લગભગ એક કિલોમીટર સુધીના માર્ગ પર સમઢિયાળા ગામના લોકેએ સાતરંગની રંગોળી કરી અને ભાવવિભોર થઈ પદયાત્રીઓનું સ્વાગત કર્યું. સમઢિયાળા ગ્રામસભાને સંભોધીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ગ્રામજનોનો આભાર માન્યો કે એમણે ગાંધીમુલ્યોને ખુલ્લા દિલે વધાવ્યાં.
સમઢિયાળાથી આગળ દિહોર ગામે જ્યારે પદયાત્રા પહોંચી ત્યારે મુસ્લિમ ભાઈઓએ ગાંધીકૂચ કરતાં આ સર્વે ગાંધી પ્રેમી પદયાત્રીઓ અને મનસુખભાઈનું ભાવભર્યુ સ્વાગત કર્યું. દિહોર ગામ ખાતેની મહાવ્રત સભાનો વિષય “સર્વધર્મ સમભાવ” જાણે અહીં ગામના પાદરમાં જ પૂર્ણરૂપે ચરિતાર્થ થયો. પૂજ્ય મોરારીબાપુએ ત્રીજી મહાવ્રત સભાના પોતાના સંભોધનમાં જણાવ્યું કે, “સર્વધર્મ કોઈને કટ્ટરતા નથી શીખવાડતો કે નથી કોઈને બંધનમાં બાંધતો એતો મનુષ્યમાત્રને મુક્ત થતા શીખવાડે છે. ધર્મ બંધન નહીં મંથન છે! ધર્મ મારે નહીં ધર્મ તારે! ભગવાન શ્રી રામે પણ પદયાત્રા કરી હતી અને ભગવાન શ્રી કૃષ્ણએ પણ પદયાત્રા કરી હતી. આ મહાવ્રત માત્ર વાંચન પુરતું નહીં તમારા આચરણમાં પણ મુકાવવું જોઈએ.” પૂજ્ય મોરારીબાપુએ બુનિયાદી શિક્ષણ હિતાર્થે જે પદયાત્રાનું આયોજન થયું છે એ અંગે રાજીપો વ્યક્ત કર્યો. દિહોર ખાતે યોજયેલ મહાવ્રત સભામાં કેન્દ્રીય મંત્રી જસવંતસિંહજી બાંભોર, સાંસદ રંજનબેન ભટ્ટ અને શ્રી ભારતીબેન શિયાળ ખાસ જોડાયા હતાં.
આવતીકાલની પદયાત્રામાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં” સીરીયલના પ્રોડ્યુસર અસિતભાઈ મોદી તેમની ટીમ સાથે જોડાશે અને રાત્રી સાંસ્કુતિક કાર્યક્રમોમાં શેત્રુંજી ડેમ ખાતે ગીતાબેન રબારી (પ્રસિદ્ધ ડાયરો કલાકાર), પાલીતાણા નગર ખાતે ગુજરાતમાં સૌપ્રથમ વખત રજુ થઈ રહેલી માનવ કદની “કઠપુતળી”નો કાર્યક્રમ, વાળુકડ ખાતે સંસ્કારભરતી કલા સંસ્થા દ્વારા કાર્યક્રમ, ભાદાવાવ-આદ્પુર અને ઘેટી ખાતે ભવાઈ એમ કૂલ મળીને અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારનાં કાર્યક્રમો યોજાશે.