ગાંધીનગરના દહેગામમાં જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં એમોનિયા ગેસની ચેમ્બરમાં ભયંકર બ્લાસ્ટ થતાં ઘટનાસ્થળે જ ચાર મજૂરોના કરૂણ મોત નીપજયા હતા. બ્લાસ્ટની પ્રચંડતા એટલી જોરદાર હતી કે, બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠયો હતો અને દૂર દૂર સુધી તેનો અવાજ લોકોને સંભળાયો હતો. બ્લાસ્ટની તીવ્રતા પણ એટલી પ્રચંડ હતી કે, કોલ્ડ સ્ટોરેજની દિવાલ અને છતના ભુક્કા બોલી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. બીજીબાજુ, બ્લા્સ્ટની ઘટનામાં ચાર મજૂરોના મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને સ્થાનિક લોકોમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. દરમ્યાન પોલીસે આ સમગ્ર ઘટનામાં ગાંધીનગરના દેહગામ ખાતે જય અંબે કોલ્ડ સ્ટોરેજના માલિક વિરૂધ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમં એવી પણ ચોંકાવનારી વાત સામે આવી હતી કે, એમોનિયા ગેસ ચેમ્બરની બાજુમાં જ મજૂરો વેલ્ડીંગ કરતાં હતા. આ વેલ્ડીંગ કામના કારણે ચેમ્બર કે સિલિન્ડરમાંથી લીક થતા ગેસને તણખાની આગને પકડી લીધી હતી અને પળવારમાં જ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આટલા ભયંકર બ્લાસ્ટને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં ૪ મજૂરોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયા હતા. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે દીવાલો અને છત્ત ધરાશાયી થઇ ગઇ હતી. ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ ઘટનામાં ભોગ બનેલા લોકોના નામની તપાસ કરી રહી છે, હાલ પોલીસ સામે તેમના નામ શું છે, કેવી રીતે બ્લાસ્ટ થયો તે મુદ્દે તપાસ હાથ ધરી હાલ દહેગામ પોલીસે કોલ્ડ સ્ટોરેજના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, દહેગામની જયઅંબે કોલ્ડ સ્ટોરેજ ઘણા સમયથી બંધ છે. જેમાં રીપેરિંગ કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન કોલ્ડ સ્ટોરેજના એમોનિયા ચેમ્બરમાં કોઈ ઘટના બનતા આ બ્લાસ્ટ સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. પોલીસે સમગ્ર મામલે સ્થાનિકોની પૂછપરછ કરી તપાસનો દોર આગળ ધપાવ્યો છે.