મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયબ્રન્ટ સમિટની ૯મી કડીમાં સૌને આવકારતાં કહ્યું હતું કે, વાયબ્રન્ટ સમિટમાં વિવિધ રાષ્ટ્રોની વિશાળ ઉપસ્થિતિ વિશ્વના દેશોનો ગુજરાત અને ભારતના વિકાસમાં રહેલો વિશ્વાસ પ્રતિપાદિત કરે છે. વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૦૦૩માં શરૂ કરેલી વાયબ્રન્ટની આ શ્રૃંખલા આજે ૯મા તબક્કામાં માત્ર વેપાર-ઉદ્યોગ-વણજ માટે જ નહીં પરંતુ સોશિયલ સેકટર સહિત કલ્ચરલ એકસચેંજ અને પીપલ ટૂપીયલ કનેકટ થવાનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ગઇ છે. મુખ્યમંત્રીએ આ સમિટને ફ્યુઝન ઓફ બિઝનેસ વીથ કલ્ચર ગણાવતાં સ્પષ્ટ પણે જણાવ્યું કે, ‘ગુજરાત ઇઝ નોટ અ ગર્વમેન્ટ, બટ વી આર કેટલિસ્ટ ફોર સકસેસ’. વિશ્વના આ સમીટમાં સહભાગી રાષ્ટ્રો અને રાજ્યો માટે વિશ્વ વિકાસના આપસી આદાન-પ્રદાન અવસરો તલાશવાનું ગુજરાત સક્ષમ માધ્યમ બની ઉભરી આવ્યું છે. તેમણે આ સમિટમાં સહભાગી સૌ રાષ્ટ્રોના વડાઓ અને ડેલિગેશન્સને સમિટ તેમના માટે સફળતાનો પથ બને તેવી શુભેચ્છાઓ પાઠવી આવકાર્યા હતા.