કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પ્રેરિત ગાંધી મુલ્યોના માર્ગે પદયાત્રાના ત્રીજા દિવસે નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીએ સ્વાદ ત્યાગ અંતર્ગત યોજાયેલી સભામાં જણાવેલ કે સતાના સ્વાદમાંથી જ મહાભારત અને રામાયણ સર્જાયેલા આજના દિવસે પદયાત્રામાં તારક મહેતા સીરીયલના પ્રોડ્યુસર આસિત મોદી તથા ટીમના સભ્યો જોડાયા હતાં.
આજે સવારે ૦૬ વાગ્યે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પદયાત્રીઓ એ માયધાર ગામ ખાતે પ્રભાતફેરી યોજી અને સ્વચ્છતા અભિયાનમાં ગામ લોકો સાથે શ્રમદાન કર્યું. ત્યારબાદ માયધાર સંસ્થાથી ત્રીજા દિવસની પદયાત્રાનો પ્રારંભ થયો. ગાંધીમૂલ્યોનાં માર્ગે ચાલનારી આ પદયાત્રા સૌરાષ્ટ્રની ધરતી પર ગાંધી વિચારોને વાગોળતી બુનિયાદી આદર્શોના ભેખધારીઓ પીંગળી ગામે પહોંચ્યા ત્યારે ગામલોકોએ વિશાળ સંખ્યામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પદયાત્રીઓનું હર્ષોલ્લાસ સાથે સામૈયું કર્યું. પીંગળી થી લાખવડ અને લખાવાડ થી અનીડા ગામે જ્યારે પદયાત્રા પહોંચી ત્યારે ગામ લોકોએ ભાતીગળ તોરણો આખા ગામમાં બાંધી પદયાત્રીઓ અને મનસુખભાઈનું સ્વાગત કર્યું. અનીડા ગામ ખાતેની મહાવ્રત સભાનો વિષય “સ્વાદ – ત્યાગ” હતો. સ્વાદ-ત્યાગ વિશે વાત કરતાં નેશનલ એવોર્ડ વિજેતા અને યુવા લેખક રામ મોરીએ કહ્યું કે, “સ્વાદ માત્ર જીભ નહીં જીવ સુધી પ્રસરેલો છે. પૂજ્ય ગાંધીબાપુ સ્વાદ-ત્યાગ કરતાં એ એમની જીદ નહીં એમની તપસ્યા હતી. સ્વાદ સત્તાનો હોય સ્વાદ લાલચનો હોય, સ્વાદ અહંકારનો હોય. સત્તાના સ્વાદ માંથી જ મહાભારત અને રામાયણ સર્જાયો છે. પૂજ્ય બાપુ કહેતાં કે સ્વાદ ત્યાગથી મનોબળ મક્કમ થાય છે”. બીજા વક્તા રાધા મહેતા એ કહ્યું કે, “આ પદયાત્રાના સહભાગી બનીને સમજાય છે કે ગાંધી ચિંધ્યો માર્ગ અને શ્રી મનસુખભાઈ જેવો ધસમસતો પ્રવાહ – ગાંધીગંગા અવિરત રહેશે. સ્વાદેન્દ્રીય પર સંયમ એ મનના સંયમની ચાવી છે. આ પદયાત્રામાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સીરીયલનાં પ્રોડ્યુસર આસિતભાઈ મોદી તેમની ટીમ પ્રો. ભીડે (મંડર ચંદવાડકર) અને પત્રકાર પોપટલાલ (શ્યામ પાઠક) સાથે ખાસ જોડાયા હતાં. આજે રાત્રે પદયાત્રા શેત્રુંજી ડેમ પહોંચશે અને ત્યાં પૂજ્ય બાપુએ આપેલા પાંચમાં મહાવ્રત ‘અભય’ પર અતુલભાઈ પંડ્યા, નિયામક ગાંધી આશ્રમ (સાબરમતી) પોતાનાં વિચારો રજુ કરશે. ત્યારપછી રાત્રી સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ડાયરો કલાકાર ગીતાબેન રબારી દ્વારા કાર્યક્રમ યોજાશે. આવતીકાલે રાત્રી સાંસ્કુતિક કાર્યક્રમોમાં પાલીતાણા નગર ખાતે અલ્પાબેન પટેલ (ગાયક કલાકાર) અને ઘનશ્યામભાઈ લાખાણી (ડાયરો કલાકાર), ઘેટી ખાતે ગુજરાતમાં સૌપ્રથમ વખત રજુ થઈ રહેલી માનવ કદની “કઠપુતળી”નો કાર્યક્રમ, પાંચપીપળા અને વાળુકડ ખાતે ભવાઈ એમ કૂલ મળીને અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ પ્રકારનાં કાર્યક્રમો યોજાશે. .