વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭મી જાન્યુઆરીના રોજ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. સામાન્ય રીતે નરેન્દ્ર મોદી અમદાવાદમાં હોય ત્યારે પોતાની માતાને મળે છે. વડાપ્રધાન ગુરુવારે અને શુક્રવારે માતા હીરાબાને મળી શક્યા ન હતા.પરંતુ આજે શનિવારે સવારે તેઓ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતાં. નરેન્દ્ર મોદી ૩૫ મિનિટ સુધી માતા હીરાબા સાથે બેઠા અને ખબર અંતર પુછ્યા હતા. જોકે દર વખતની જેમ પાડોશીઓ સાથે મુલાકત કરી ન હતી. વડાપ્રધાને પોતાના પરિવારના સભ્યો સાથે વાતચીતો પણ કરી હતી.
વડાપ્રધાન મોદી માતાને મળવા આવવાના હોવાથી આખા વિસ્તારમાં સધન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ગુરુવારે મોદીએ ગાંધીનગર ખાતે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ તેમજ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મૂક્યો હતો. મોદીએ રાત્રિ રોકાણ ગાંધીનગર ખાતે રાજભવનમાં કર્યું હતું. ૧૮મી તારીખે તેમણે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન કર્યું હતું.વડાપ્રધાન મોદીના માતા પણ ગાંધીનગરમાં જ રહે છે.વૃંદાવન બંગલો બહાર વહેલી સવારથી જ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીઓ બંગલોની આસપાસ સઘન ચેકિંગ કર્યું હતું.