હિમાચલ-જમ્મુ કાશ્મીરના વિવિધ ભાગોમાં હિમ વર્ષા

627

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. જનજીવન પર માઠી અસર થઇ છે. બીજી બાજુ હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમ વર્ષા જારી રહી છે. તાપમાન માઇનસમાં છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમા પણ હાડ ગાળી નાંખે તેવી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. અહીં પારો ૪.૫ ડિગ્રી થઇ ગયો છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પારો ખુબ ગબડી ગયો છે. અંડામાન અને નિકોબાર વિસ્તારમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. કાશ્મીર ખીણમાં ભારે હિમવર્ષા માટેની આગાહી અકબંધ રાખવામાં આવી છે. હિમાચલપ્રદેશમાં પણ ઉંચાણવાળા વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે. ટ્યુરિસ્ટ સ્થળો કુલ્લુ જિલ્લામાં મનાલીમાં માઇનસમાં તાપમાન રહ્યુ છે.

દિલ્હી અને એનસીઆરમાં પણ હાલત કફોડી બનેલી છે. જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં ખાસ કરીને લડાખ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઇ છે. હિમવર્ષા હજુ જારી રહેવાની શક્યતા છે.  જમ્મુ કાશ્મીરમાં પાણીના સ્ત્રોતમાં બરફ જામી જતા હાલત કફોડી બનેલી છે. હવામાન વિભાગના કહેવા મુજબ ૧૯મી જાન્યુઆરીથી લઇને ૨૩મી જાન્યુઆરી દરમિયાન ખીણમાં ભારે હિમવર્ષા જારી રહી શકે છે.  અનેક વિસ્તારોનો સંપર્ક તુટી ગયો છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડુગાર થઇ જતા જનજીવન ખોરવાઇ ગયુ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની સ્થિતી વચ્ચે જનજીવન ખોરવાઇ ગયુ છે. ટ્રેનો અને વિમાની સેવા પર અસર થઇ છે. દિલ્હી આવનારી ૧૪ ટ્રેનો મોડી દોડી રહી છે. વિજિબિલીટી ઘટી જવાના કારણે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં વિમાની સેવા ઉપર પણ માઠી અસર થઇ છે.

Previous articleK-૯ વજ્ર ટેન્ક મોદીએ રાષ્ટ્રને કરી સમર્પિત
Next articleમહાગઠબંધન મોદી નહીં દેશના લોકો વિરૂદ્ધઃPM