ભાવનગર અને દેશ-વિદેશમાં કથ્થક નૃત્ય ક્ષેત્રે ડંકો વગાડનારા અને જીંદગીના અંતિમ શ્વાસ સુધી પોતાની કલાને કર્મ બનાવી ઝળહળતી સિધ્ધિ પ્રાપ્ત કરનાર કલાગુરૂ ધરમશીભાઈ શાહનું ૯૮ વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થતા કલાજગતમાં શુન્યાવકાશ સર્જાયો છે અને કલાપ્રિય જનતામાં ઘેરા શોકનું મોજુ ફરી વળ્યું છે.
મુળ કચ્છના વતની અને છેલ્લા ૭-૭ દસકાથી ભાવેણાને પોતાની કર્મભૂમિ બનાવનારા કલા ધરોહર ધરમશીભાઈ શાહે ૯૮ વર્ષે આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કહી કલાક્ષેત્રે ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પાડી છે. આ કલાગુરૂ ૯૮ વર્ષની વયે પણ ભાવનગરમાં કલાક્ષેત્ર સંસ્થામાં કથ્થક સહિતના નૃત્યો બાળકોને અને યુવક-યુવતીઓને શીખવતા કથ્થક સહિતના નૃત્યોમાં તેઓ ખરા અર્થમાં શીરોમાન્ય ગુરૂ હતા અને આજીવન તેઓએ પોતાના શિષ્યોને આ ક્ષેત્રમાં આગળ ધપાવ્યા હતા. અનેક રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરી ચુકેલ ધરમશીભાઈ શાહનું નિધન થતા કલાપ્રિય જનતા અને તેમના શિષ્યોમાં ઘેરો આઘાત છવાયો છે. અત્રે નોંધનિય છે કે, આ મહાન વિભૂતિને તમામ ક્ષેત્રોના દિગ્ગજો આદરભાવ પ્રદાન કરતા હતા અને આંતરરાષ્ટ્રીય રામાયણી પૂ.મોરારીબાપુ પણ અદકેરો આદરભાવ આપે છે અને તાજેતરમાં તેમની કલાને બિરદાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ધરમશીભાઈના દુઃખદ અવસાનને લઈને પૂ.બાપુ સહિતનાઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.