ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ પક્ષની કેન્દ્રીય નેતાગીરીને સંબોધીને કરેલું નિવેદન, તે પહેલાં પંડિત જવાહરલાલ નહેરુની પ્રશંસા કરતું નિવેદન વગેરેથી સ્વયં ભાજપમાં જ રાજકીય વમળો સર્જનારા કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ, હાઈવે એન્ડ શિપિંગ મિનિસ્ટર નીતિન ગડકરીની વાયબ્રન્ટ સમિટમાં ગેરહાજરીથી પણ પ્રદેશ ભાજપમાં ગુસપુસ શરુ થઈ ગઈ છે.
વાયબ્રન્ટ સમિટના ઉદ્ઘાટનના દિવસે શ્રેણીબદ્ધ સેમિનાર્સમાં એક સેમિનાર ‘પોર્ટ લેડ ડેવલપમેન્ટ એન્ડ સ્ટ્રેટેજિસ ટુ એસ્ટાબ્લિશ ઈન્ડિયા એઝ ધ ટ્રાન્સશિપમેન્ટ હબ ઓફ ઈન્ડિયા’ વિષે પણ હતો. જેમાં મુખ્ય વક્તા નીતિન ગડકરી હતા.
પરંતુ તેઓ ગુજરાત જ આવ્યા નહીં. એ જ સમયે તેમણે પોતાના ટિ્વટર હેન્ડલ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે નાગપુરમાં રામઝુલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું તે સમયના ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા હતા.
તેમની વાયબ્રન્ટમાં ઉપસ્થિતિ તથા સેમિનારમાં તેમના વક્તવ્ય વિષે આગોતરી મંજુરી મેળવ્યા પછી જ આયોજન થતું હોય છે. તેમ છતાં તેઓ વાયબ્રન્ટમાં ગેરહાજર રહ્યા અને નાગપુરમાં ફડણવીસ સાથે લોકાર્પણના કાર્યક્રમમાં હતા. તે વિષે પ્રદેશ ભાજપના જ ઉચ્ચ નેતાઓમાં ગુસપુસ થવા માંડી છે.