મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવાશક્તિના સામથ્યર્ થી નયા ભારતનું નિર્માણ કરવામાં પ્રધાનમંત્રીના સ્વપ્નાને પાર પાડવા યુવા શક્તિ રાષ્ટ્રભક્તિ-રાષ્ટ્રહિતથી અગ્રેસર રહે તેવું પ્રેરક આહવાન કર્યું છે.
છાત્ર શક્તિ, રાષ્ટ્ર શક્તિ કહેવાય છે. નવીન ભારતનું નિર્માણ કરવાનો આધાર યુવા શક્તિ પર રહેલો છે, તેવું આજરોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગાંધીનગર ખાતે આયોજીત રાષ્ટ્રીય કક્ષાના ફાર્મા વિઝન-૨૦૧૭ના સેમિનારને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું.
ગાંધીનગર-સરખેજ હાઇ-વે પરની અરિહંત સ્કુલ ઓફ ફાર્મસી ખાતે તેમણે ફાર્મા સમૂદાયના સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને વિચારીક આદાન-પ્રદાનની તક પુરી પાડતાં આઠમા ફાર્મા વિઝનનું ઉદઘાટન કર્યું હતું.
આજે દેશમાં ૧૮ થી ૪૦ વર્ષની વયના યુવાનોની જનસંખ્યા દેશની જન સંખ્યાના ૬૦ ટકા છે. જે ખરા અર્થમાં દેશની તાકાત છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નવભારતના નિર્માણ સંકલ્પમાં તે શક્તિ બનશે, તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાનએ સ્ટાર્ટઅપ માટે ઘણા આયામો ખુલ્લા મુક્યાં છે, તેવું જણાવી જણાવ્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ સ્ટાર્ટઅપ પોલીસી ઘડનાર રાજય ગુજરાત છે. તેમજ સ્ટાર્ટ અપ ઇન્ડિયાને વધુ ગતિમાન કરવા માટે રાજય સરકાર દ્વારા દેશમાં સૌથી પહેલી સ્વર્ણિમ સ્ટાર્ટ અપ એન્ડ ઇન્વોશન યુનિવર્સીટીનો આરંભ કર્યો છે.
દેશના યુવાનો પાસે ઘણા ઇનોવેટીવ આઇડિયા છે, તેને સાર્થક કરવા સક્ષમ છે, તેવા યુવાનો વિદેશની ધરતી પર જઇ પોતાનું સંશોધન કરી રહ્યાં છે. તેવા યુવાધનને દેશની ધરા પર જ ઉજ્જવળ તકો મળે અને રાષ્ટ્રને કંઇક નવું અર્પણ કરે તે માટે સરકાર તમામ સહયોગ આપવા માટે કટિબદ્ધ છે.
રાજય સરકાર પારદર્શિ, નિર્ણાયક, સંવેદનશીલ અને વિકાસશીલ સરકારના ચાર આધારસ્તંભ પર કામ કરી રહી છે, તેવું કહી આજે રાજયમાં ઉદ્યોગનો આરંભ કરવો સરળ છે, તેવું લોકો માનવા લાગ્યા છે. જેમાં રાજય દેશમાં પ્રથમ છે. ગુજરાતીઓના લોહીમાં વેપાર કરવાની આવડત ખૂબ જ છે. આજે ગુજરાતમાં મઘ્યમ અને નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટે બજેટમાં એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમણે ગુજરાતને બાયો ટેકનોલોજી ક્ષેત્રનું હબ બનાવવા માટે આ સેમિનારમાં ખુબ ચિંતન કરવા યુવાનોને અપીલ કરી હતી.
હું પણ એબીવીપી સંગઠનનો કાર્યક્રર હતો, તેવું કહી મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, એબીવીપી રાષ્ટ્રવાદી સંગઠન છે. ભારતીય જનતા પાર્ટીમાં વ્યક્તિથી વધુ દળ અને દળ થી વધુ રાષ્ટ્ર, રાષ્ટ્રહિત પ્રધાન્ય આપવાની વિચારધારા ધરાવતો પક્ષ છે. તે જ રીતે રાષ્ટ્રના હિતમાં કોઇ પણ બાંધ છોડ નહિ, તેવા ઉમદા સંસ્કાર એબીવીપીના સંગઠન દ્વારા ઉજાગર કરવામાં આવી રહ્યાં છે.
સાયન્સ, ઇનોવેશન અને ટેકનોલોજી ખૂબ જરૂરી છે, તેવું કહી ઇક્યોર ફાર્માસ્યુટિકલ લિના સીઇઓ સતીશ મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફાર્માસ્ટીકલનો વિકાસ કેમ વધુ છે, તેની દષ્ટાંતપૂર્વક વાત કરી હતી. નવીન ટેકનોલોજી સાથે સર્વે યુવાનોને કદમથી કદમ મિલાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.