ચૂંટણી પૂર્ણ થતા ઉમેદવારો-જનતા પરિણામો જાણવા આતુર

689
bvn11122017-9.jpg

શહેર-જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-ર૦૧૭ પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી લડી રહેલ ઉમેદવારો તથા જનતા જનાર્દનના મનમાં પરિણામ જાણવા માટે ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે.
ભાવનગર શહેર-જિલ્લાની કુલ ૭ બેઠકો પર ગત તા.૯-૧રના રોજ ૮૯ વિધાનસભાની બેઠકો માટે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાવનગરની ૭ બેઠકો માટે મતદાન યોજાયું હતું. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલ ચૂંટણીને લઈને હવે ૭ બેઠકોના ૭૧ ઉમેદવારો તથા લોકોમાં ચૂંટણી પરિણામો જાણવાની જીજ્ઞાસા પ્રબળ બની છે. મુખ્ય રાજકિય પક્ષો ભાજપ-કોંગ્રેસ તથા વર્ષો સુધી પક્ષને વફાદાર રહી નિષ્ઠાપૂર્ણ રીતે કામગીરી કરનારા તથા ટીકીટ ન મળતા પક્ષ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડેલા મુરતીયાઓ હાલ પોતે જીતી રહ્યાં હોવાનો દાવો કરી રહ્યાં છે. ઉપરાંત ખાનગી રાહે પોતાના અનુભવો તથા રાજકિય વિષ્લેશકોને સાથે રાખી આ ટર્મમાં થયેલ મતદાન સંદર્ભે બારીકાઈપૂર્વક અભ્યાસ કરી તારણો એકઠા કરી રહ્યાં છે. ભાવનગરમાં જનતા પક્ષને નહીં જ્ઞાતિને અગ્રતા આપી મતદાન કરતી હોય જેને લઈને ઉમેદવારો સૌપ્રથમ જ્ઞાતિ આધારીત એરીયા વાઈઝ માહિતી એકત્ર કરી રહ્યાં છે.
આ ઉપરાંત ચૂંટણી પૂર્વે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ લોકલક્ષી કાર્યો પર નઝર કરી તેનો કેવો લોક પ્રતિસાદ સાંપડ્યો હતો સહિતની અનેક બાબતો આધારે પોતાને કેટલા મતો મળ્યા હશે ? તે અંગેનું ગણિત ગણવામાં વ્યસ્ત બન્યા છે. રાજ્યમાં બીજા અને અંતિમ ચરણમાં ૯૩ વિધાનસભા બેઠક પર આગામી તા.૧૪-૧રના રોજ મતદાન યોજાશે અને તા.૧૮-૧રના દિવસે મતગણતરી યોજાનાર છે ત્યારે ભાવનગર શહેર-જિલ્લામાં રાજકિય પક્ષોમાં મોભાનું સ્થાન ધરાવતા મોટા કદના ઉમેદવારો બીજા તબક્કાની ચૂંટણીમાં પક્ષના અન્ય ઉમેદવારો તથા પક્ષને મદરૂપ થવા અર્થે રવાના થનાર હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ જનતા પણ બીજા તબક્કાની ચૂંટણી તથા તા.૧૮-૧રના રોજ જાહેર થનાર પરિણામોની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. હાલ સોશ્યલ મિડીયાથી લઈને ચોરે ચોંટે ચર્ચાનો મુખ્ય મુદ્દો ચૂંટણી તથા પરિણામો જ ચર્ચાઈ રહ્યો છે. આ સિવાય તમામ બાબતોને વિરામ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સોશ્યલ મિડીયાઓ પર ઓપીનીયન પોલ તથા પક્ષ-ઉમેદવારોની જીતના દાવાઓ વ્યાપકપણે વાઈરલ બન્યા છે. આ સોશ્યલ મિડીયાનું યુધ્ધ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ જ શમશે તેવું લાગી રહ્યું છે.

રવિવારની રજાથી કર્મચારીઓને હાશકારો
ભાવનગર શહેર-જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં ફરજરત કર્મીઓને નિયમ મુજબ સમગ્ર જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર ચૂંટણીના ચોવીસ કલાક પૂર્વે ફરજનું સ્થળ ફાળવી મતદાન કેન્દ્રો પર રવાના કરી દેવામાં આવે છે. શનિવારે ચૂંટણીની ભાગદોડભરી ભારે કામગીરી બાદ બીજા દિવસે રવિવારની જાહેર રજા હોવાના કારણે સરકારી કર્મચારીઓને ભારે રાહત થવા પામી છે. રવિવારે મોટાભાગના કર્મચારીઓએ ઘરે રહી ચૂંટણી કામગીરીનો થાક ગાળ્યો હતો. એક દિવસના વિરામ બાદ સોમવારથી તમામ કચેરીઓ રાબેતા મુજબ ધમધમતી થશે.

Previous articleગૌરીશંકર સરોવરમાં કચરાના ઢગ સાથે ગંદકીનો ઉપદ્રવ
Next articleગુસ્તાખી માફ